માનવ સર્જિત કે કુદરતી કારણોસર પૃથ્વીની આબોહવામાં થઇ રહેલા પરિવર્તનો જેવાકે સરેરાશ તાપમાનમાં વધારો, વરસાદની માત્રામાં ફેરફારો, વાવાઝોડાની ઘટનાઓમાં વધારો, વગેરે ને આબોહવામાં પરિવર્તન કે વૈશ્વિક ઉષ્ણતા કહેવામાં આવે છે. સમયાંતરે કુદરતી કારણોસર આબોહવામાં પરિવર્તન થતા રહે છે પરંતુ છેલ્લા સો વર્ષોમાં થયેલા પરિવર્તનો માટે મુખ્યત્વે માનવ નિર્મિત કારણોજ જવાબદાર છે જળવાયું પરિવર્તન એક મોટી સમસ્યા છે અને સમગ્ર વિશ્વ તેની સામે લડવા માટે અનેક પગલાં ઉઠાવી રહ્યું છે. એવામાં હવે યુએન ક્લાઈમેટ ચીફે બુધવારેના રોજ ક્લાઈમેટ ચેન્જને લઈને મોટી ચેતવણી જારી કરતાં કહ્યું કે, ‘વિશ્વને બચાવવા માટેના બે વર્ષ’ જ છે.
યુએન ક્લાઇમેટ એજન્સીના ચીફ સિમોન સ્ટિલ બુધવારે ગ્લોબલ વોર્મિંગ સામે તાત્કાલિક પગલાં લેવા હાકલ કરી હતી. તેમણે કહ્યું કે વિશ્વભરના દેશોની સરકારો પ્રદૂષણને અંકુશમાં લેવા માટે નવી યોજનાઓ માટે 2025ની સમયમર્યાદાનો સામનો કરી રહી છે. આબોહવાની આપત્તિ ટાળવા માટે વધુ સમય નથી બચ્યો. આવી સ્થિતિમાં, એવું કહેવું ખોટું નહીં હોય કે ‘દુનિયાને બચાવવા માટે આપણી પાસે માત્ર બે વર્ષ બાકી છે.’
આ દરમિયાન એમને દેશોને પેરિસ કરાર હેઠળ તેમની આબોહવા યોજનાઓને તાકીદે મજબૂત કરવા હાકલ કરી હતી, જેને રાષ્ટ્રીય નિર્ધારિત યોગદાન (NDCs) તરીકે ઓળખવામાં આવે છે. તેમણે કહ્યું કે ક્લાઈમેટ ચેન્જ પરની ઈન્ટર ગવર્નમેન્ટલ પેનલે પણ ચેતવણી જારી કરી છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે 2030 સુધીમાં 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી વોર્મિંગ મર્યાદિત કરવું આવશ્યક છે.’
સિમોન સ્ટિલ, લંડનમાં ચેથમ હાઉસ થિંક ટેન્કમાં બોલતા કહ્યું, ‘આપણી પાસે ખૂબ જ ઓછો સમય છે. અત્યારે વિશ્વની લગભગ અડધી વસ્તી આ વર્ષે ચૂંટણીમાં મતદાન કરી રહી છે અને આ મહિનાના અંતમાં વોશિંગ્ટનમાં મહત્વપૂર્ણ વૈશ્વિક ફાઇનાન્સ બેઠકો થશે. તેમણે કહ્યું કે, આ બધાની વચ્ચે અમારી ચેતવણી ભલે નાટકીય લાગે પરંતુ વાસ્તવિકતા એ છે કે આગામી બે વર્ષમાં ક્લાઈમેટ ચેન્જ સામે પગલાં લેવા ખૂબ જરૂરી છે. “અમારી પાસે હજુ પણ રાષ્ટ્રીય આબોહવા યોજનાઓની નવી પેઢી સાથે ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવાની તક છે, પરંતુ આ માટે હવે આપણને કેટલીક મજબૂત યોજનાઓની જરૂર છે.’
જાણીતું છે કે યુએસ સહિત આ વર્ષે 64 દેશોમાં ચૂંટણીઓ યોજાવાની છે એ દરમિયાન સ્ટીલે મતદારોને આબોહવા માટે પગલાં ઉઠાવે એવી સરકાર પસંદ કરવા વિનંતી કરી. એમને કહ્યું કે “જળવાયુ પરિવર્તનને કેબિનેટના કાર્યસૂચિની ટોચ પર લાવવાનો એકમાત્ર રસ્તો એ છે કે પૂરતા લોકો બોલે.” આ ટિપ્પણી ત્યારે આવી છે જ્યારે વૈશ્વિક તાપમાન સતત વધી રહ્યું છે. છેલ્લા બાર મહિનામાં વૈશ્વિક સરેરાશ તાપમાન (એપ્રિલ 2023 – માર્ચ 2024) 1991-2020ની સરેરાશ કરતાં 0.70 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું છે. એવામાં હવે આ તરફ લોકોએ જાગૃત થવાની જરૂર છે.