લોકસભા (LOKSABHA 2024) ની સામાન્ય ચૂંટણી (GENERAL ELECTION 2024) ને અનુસંધાને વડોદરા બેઠક માટે ભારતના નિર્વાચન આયોગ (ECI) દ્વારા નિયુક્ત થયેલા ખર્ચ નિરીક્ષક સત્યપાલ કુમારે આજે કલેક્ટર કચેરી ખાતે આ કામગીરી સાથે સંકળાયેલા વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. તેમણે આ બેઠકમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે નિયત કરવામાં આવેલી કાર્યપદ્ધતિ મુજબ કામ કરવા માટે દિશાનિર્દેશ આપ્યા હતા.વડોદરા લોકસભા બેઠક માટે ખર્ચના નોડેલ ઓફિસર મમતા હિરપરાએ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉમેદવારો અને પક્ષ દ્વારા ચૂંટણી પ્રચારમાં થતાં ખર્ચની નોંધણી માટે ગોઠવવામાં આવેલી નિયત વ્યવસ્થાઓની જાણકારી પ્રસ્તુત કરી હતી અને આ બાબતનું પ્રેઝેન્ટેશન આપ્યું હતું. આ ઉપરાંત તેમણે ફ્લાઇંગ સ્ક્વોર્ડ, સ્ટેટિક સર્વેલન્સ ટીમ, વિડીઓ વ્યુઇંગ ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરીની પણ માહિતી રજૂ કરી હતી.ચૂંટણી ખર્ચના દેખરેખ અને નિયંત્રણ માટે નિયુક્ત કરવામાં આવેલા કર્મયોગીઓને ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ તાલીમ આપવામાં આવી છે. આ કર્મયોગીને તે મુજબ સુસજ્જ કરવામાં આવ્યા છે.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંકે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત સાથે જ કરવામાં આવેલ આચાર સંહિતાના અમલ, સીવિજીલ એપ ઉપર મળેલી ફરિયાદોનું નિરાકરણ, જિલ્લા કક્ષાના નિયંત્રણ કક્ષમાં આવેલી ફરિયાદોના નિરાકરણની માહિતી આપી હતી. આ તમામ ફરિયાદોનો સમયમર્યાદામાં નિકાલ કરવામાં આવ્યો છે.
ચૂંટણી ખર્ચ સાથે જોડાયેલા તમામ અધિકારી, કર્મચારીઓ ભારતના ચૂંટણી પંચ દ્વારા નિયત કરવામાં આવેલા નમૂના મુજબ દૈનિક અહેવાલો સમયસર મોકલી આપવા સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ, મદદનીશ ખર્ચ નિરીક્ષકો સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો તથા નાણાકીય સંસ્થાઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.