લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં રાજકીય પક્ષો પ્રચારમાં લાગ્યા છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. બાત જાણે એમ છે એ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પર આચારસંહિતા ભંગની ફરિયાદ થઈ છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનિષ દોશીએ ફરિયાદ કરી છે. વિગતો મુજબ મનીષ દોશીએ ચૂંટણીપંચને વીડિયો ના પુરાવા સાથે ફરિયાદ કરી છે. જેમાં સંસદીય પ્રણાલીઓ અને કાર્યરિતી ભાગ-1ના પ્રકરણ-9ના નિયમનો ભંગ કર્યાનો અને ભાજપ ઉમેદવારની તરફેણમાં પ્રચાર કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આદર્શ આચારસંહિતાનો તથા સંસદીય પ્રણાલીઓ અને કાર્યરિતી ભાગ-1 પ્રકરણ-9 નો ભંગ કરેલ છે તે અંગે તાત્કાલીક પગલા ભરવા ભારતીય ચૂંટણી પંચને વીડીયો પુરાવા સાથે ફરીયાદ કરી છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય ચૂંટણી પંચના તા. 17-03-2024ના રોજ લોકસભાની ચૂંટણીની જાહેરાત કરેલ જેથી તે દિવસથી આચારસંહિતા સમગ્ર દેશમાં લાગુ પડેલ છે.
મનીષ દોશીએ કહ્યું કે, ગુજરાતમાં પણ આચારસંહિતા લાગુ છે તે દરમીયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી જેઓ બંધારણીય રીતે અધ્યક્ષપદે નિયુક્ત થાય તે દિવસથી કોઈ રાજકીય પક્ષના સભ્ય રહેતા નથી. અને તેવી જોગવાઈ ‘સંસદીય પ્રણાલીઓ અને કાર્યરિતી ભાગ-1 ના પ્રકરણ-9 ના બીજા પેરામાં નીચે મુજબ જણાવેલ છે. ‘જે પળેથી તે અધ્યક્ષ બને છે તે પળેથી તે રાજકીય પ્રવૃત્તિમાંથી સંપૂર્ણપણે અલિપ્ત થઈ જાય છે અને કોઈપણ પક્ષના રહેતા નથી. તેમણે કહ્યું કે, વિધાનસભાના અધ્યક્ષ રાજકીય પક્ષના પ્રચાર કરી શકતા નથી તેમ છતાં ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠા જીલ્લામાં લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની તરફેણમાં બેઠક યોજી રાજકીય પક્ષ માટે પ્રચાર કરેલ છે. તેજ રીતે વાવ-થરાદ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરેલ છે. જે ગંભીર બાબત છે.