એક તરફ જ્યાં સંપૂર્ણ વિશ્વમાં ઈદની (Eid 2024) હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી હતી. ત્યારે બીજી તરફ શુક્રવારે પણ ગાઝા (Gaza) પર ઇઝરાયેલના (Israel) હુમલા યથાવત રહ્યા હતા. આ હવાઈ હુમલામાં 29 લોકો માર્યા ગયાના અને ડઝનેક ઘાયલ થયાના અહેવાલ છે. જ્યારે અન્ય સ્થળોએ થયેલા હુમલામાં 60 લોકોના મોત થયા છે જ્યારે 120 ઘાયલ થયા છે.
ઇઝરાયેલ-હમાસ યુદ્ધ (Israel-Hamas War) વચ્ચે ગાઝા પર ઈઝરાયેલના હુમલામાં કુલ મૃત્યુઆંક વધીને 33 હજારને પાર પહોંચ્યો છે. ઈદના તહેવારના દિવસે પણ ઈઝરાયેલના (Israel) હુમલા યથાવત રહ્યા હતા. શુક્રવારે, ઇઝરાયેલે મધ્ય અને ઉત્તર ગાઝામાં કેટલાક હવાઈ હુમલા કર્યા હતા. અમેરિકા અને યુરોપિયન દેશોના હસ્તક્ષેપને કારણે પેલેસ્ટાઈનીઓને જીવન જરૂરિયાત વસ્તુઓ મળવા લાગી છે, પરંતુ ગરમી અને દૂષિત પાણીનાં કારણે તેમનામાં ગંભીર બીમારીઓ ફેલાઈ રહી છે. યુનાઈટેડ નેશન્સે (United Nations) પર્યાપ્ત તબીબી સુવિધાઓના અભાવે મોટી સંખ્યામાં લોકો ગંભીર રોગોથી મૃત્યુ પામવાની આશંકા પણ વ્યક્ત કરી છે.
આ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને ( Joe Biden) શુક્રવારે કહ્યું હતું કે, તેમને લાગે છે કે ઈરાન (Iran) ટૂંક સમયમાં ઈઝરાયેલ પર હુમલો કરશે, એવી આશંકા વચ્ચે કે ગાઝામાં ચાલી રહેલી દુશ્મનાવટ મોટા મધ્ય પૂર્વીય સંઘર્ષમાં ફેરવાય તેવી શક્યતા છે. વધુમાં મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, અમે ઈઝરાયેલના સંરક્ષણ માટે સમર્પિત છીએ. અમે ઇઝરાયેલને સમર્થન આપીશું, અમે ઇઝરાયેલને બચાવવામાં મદદ કરીશું અને ઇરાન સફળ નહીં થાય.
ઈઝરાયેલે કહ્યું હતું કે, તે તેની સુરક્ષા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ (Benjamin Netanyahu) કહ્યું કે, જે અમને નુકસાન પહોંચાડશે અમે તેને વધુ ગંભીર નુકસાન પહોંચાડીશું. જો કે, રશિયા (Russia), જર્મની અને બ્રિટને (Britain) ઈરાન અને ઈઝરાયેલને સંયમ રાખવાની અપીલ કરી છે.