લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે સામાન્ય જનતાને અસર કરતાં એક સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, એવો દાવો કરવામાં આવ્યો છે કે, ચૂંટણી બાદ ટેરિફ પ્લાન 15-17 ટકા મોંઘો થઈ શકે છે.અહી એક બાબત નોંધનિય છે કે, દેશમાં 19 એપ્રિલથી મતદાન શરૂ થશે અને 4 જૂને પરિણામ જાહેર થશે.
રિપોર્ટ અનુસાર ટેલિકોમ સેક્ટરમાં ટેરિફની કિંમતમાં 15-17 ટકાનો વધારો થવાની ધારણા છે. આનો સૌથી વધુ ફાયદો ભારતી એરટેલને થવાનો છે. જો આવું થશે તો તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે કારણ કે, રિચાર્જ મોંઘું હશે તેથી તમારે તેને ખરીદવા માટે કેટલાક પૈસા ખર્ચવા પડશે. અગાઉ ડિસેમ્બર 2021માં કંપનીઓએ ટેરિફમાં લગભગ 20 ટકાનો વધારો કર્યો હતો.કઈ કંપનીનું રિચાર્જ સૌથી મોંઘું હોઈ શકે છે તો આ પ્રશ્નનો હજુ સુધી કોઈ જવાબ નથી. પરંતુ રિપોર્ટ અનુસાર એરટેલ તેના ટેરિફમાં વધુ વધારો કરી શકે છે. વોડાફોન-આઈડિયા નાણાકીય સંકટનો સામનો કરી રહી છે તેથી તે તેના ટેરિફની કિંમત પણ ઝડપથી વધારી શકે છે. પરંતુ હજુ સુધી આ અંગે કંપનીઓ દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
એક રિપોર્ટ સૂચવે છે કે ઝડપી ઇન્ટરનેટ માટે તમારે 14 રૂપિયા વધુ ચૂકવવા પડશે. જો તમે 5G ઈન્ટરનેટનો ઉપયોગ કરવા ઈચ્છો છો તો તમારે અત્યારે જે ચૂકવણી કરી રહ્યા છો તેના કરતાં તમારે 14 રૂપિયા વધુ ચૂકવવા પડી શકે છે. હાલમાં 5G ઇન્ટરનેટ મોબાઇલ કંપનીઓનું સીધું લક્ષ્ય હશે કારણ કે ઝડપી ઇન્ટરનેટની સાથે ગ્રાહકો ડેટા માટે વધુ ચૂકવણી પણ કરે છે. હવે આવી સ્થિતિમાં મોબાઈલ કંપનીઓ તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી તેથી આ અંગે સંપૂર્ણ રીતે કહી શકાય નહીં.