આજે રામ નવમીના તહેવારને લઈ દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતની રામનવમી ખાસ છે કારણ કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ રામલલાની આ પહેલી રામનવમી છે. આ દરમિયાન રામલલાની વિશેષ પૂજા કરવામાં આવી રહી છે. રામલલાને સૂર્ય અભિષેક કરાશે. આ અવસર પર રામ મંદિરનો વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો છે.રામનવમી નિમિત્તે રામ મંદિરના દ્વાર સવારે 3.30 વાગ્યે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે અને રાત્રે 11 વાગ્યા સુધી ભક્તો રામલલાના દર્શન કરી શકશે. જેને લઈ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. રામલલાનું સૂર્ય તિલક બપોરે 12.16 કલાકે કરવામાં આવશે.
રામલલાના દર્શનને લઈ રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામનવમી નિમિત્તે ભક્તો સરયુ નદીમાં શ્રદ્ધા અને આસ્થા પૂર્વક ડૂબકી મારશે. રામ નવમી નિમિત્તે આજે બુધવારે વહેલી સવારથી જ ભક્તો રામ મંદિર પહોંચી દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યાં છે. ત્યારે અયોધ્યા નગરી જયશ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું છે.રામધૂનનો રણકારો અયોધ્યા નગરી સંભળાઈ રહ્યો છે. જેને લઈ પોલીસે પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. રાત્રે જ શ્રદ્ધાળુઓ અયોધ્યા શહેરમાં પહોંચી ગયા હતા અને સવારે સ્નાન કરી પૂજાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અહીં સૌપ્રથમ સરયૂ ઘાટ પર સરયૂ આરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.