ગુજરાત લોકસભાની 26 બેઠકો તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા તા. 12 એપ્રિલે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આજે છઠ્ઠા દિવસે સાંજ સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરાયાનો આંકડો બહાર આવ્યો હતો. ગુજરાતની 26 લોકસભા બેઠક માટે મંગળવારે 97 ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. 5 વિધાનસભાની પેટા ચૂંટણી માટે મંગળવારે 8 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે આગામી 19 મી એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલશે. અગાઉ લોકસભા ચૂંટણી માટે 31 તો વિધાનસભાની પેટા ચૂંટણી માટે 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.
મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સમાવિષ્ટ 26 લોકસભા મતવિભાગો તથા વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત અને વાઘોડિયા એમ કુલ 05 વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીઓ દ્વારા નમુના નં-01 માં ચૂંટણી નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેથી આગામી તા.19 એપ્રિલ, 2024 સુધી જાહેર રજા સિવાયના દિવસોમાં સવારે 11 વાગ્યાથી બપોરના 03 વાગ્યા દરમિયાન ઉમેદવારી પત્રો મળી શકશે તથા ભરેલા ઉમેદવારી પત્રો રજૂ કરી શકાશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.20 એપ્રિલ, 2024ના રોજ સવારે 11 કલાકે હાથ ધરવામાં આવશે. માન્ય થયેલા ઉમેદવાર ઈચ્છે તો તા.22 એપ્રિલ, 2024 ના રોજ બપોરે 03 વાગ્યા સુધીમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકશે.
રાજ્યના તમામ જિલ્લાઓમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં ઇવીએમના પ્રથમ રેન્ડમાઇઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ઇવીએમ મશીનોની ફાળવણી જિલ્લા કક્ષાએથી એસેમ્બ્લી સેગ્મેન્ટ(AS) કક્ષાએ કરવામાં આવી છે. હરીફ ઉમેદવારોની યાદી આખરી થયા બાદ હરીફ ઉમેદવારો કે તેમના પ્રતિનિધિઓ તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા નીમવામાં આવેલ જનરલ ઓબ્ઝર્વરની હાજરીમાં ઇવીએમના બીજા રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ દ્વારા મતદાન કરવા માટે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. આ અંગે ચૂંટણી પંચની સૂચના અનુસાર ટપાલ દ્વારા મતદાન કરવા માટેની સુવિધાની જગ્યાએ તેઓને તાલીમના સ્થળે જ મતદાન માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ચૂંટણી ફરજ પરના કોઈ કર્મચારી મતદાનથી વંચિત ના રહી જાય તે માટે પોલીસ કર્મચારીઓ, ડ્રાઇવર્સ, કન્ડક્ટર્સ સહિત ચૂંટણી ફરજ પરના આશરે 4 લાખથી વધુ કર્મચારીઓને ટપાલ મત પત્ર માટેના ફોર્મ-12 આપવાની કામગીરી ચાલી રહી છે. રાજ્યમાં 27 જનરલ ઓબ્ઝર્વર, 28 એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર્સ અને 14 પોલીસ ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે. ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઈંગ સ્કવોર્ડ્સ દ્વારા અત્યાર સુધીમાં રૂ.6.54 કરોડ રોકડ, રૂ. 11.73 કરોડની કિંમતનો 3.84 લાખ લીટર જેટલો દારૂ, રૂ. 27.62 કરોડની કિંમતનું 45.37 કિલો સોનું અને ચાંદી, રૂ.1.73 કરોડની કિંમતના 564.49 કિલો પ્રતિબંધિત નશાકારક પદાર્થો તથા મોટરકાર, મોટર સાઈકલ, સીગારેટ, લાઈટર અને અખાદ્ય ગોળ સહિતની રૂ.39.20 કરોડની અન્ય વસ્તુઓ મળી કુલ રૂ.86.82 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થવા સાથે રાજ્યભરમાં 1,203 સ્ટેટીક સર્વેલન્સ ટીમ કાર્યરત થઈ ગઈ છે.