લોકસભા ચૂંટણી (Loksabha Election 2024)ના પડઘમ વાગી ચુક્યા છે. હવે દરેક પક્ષ તેના પ્રચારમાં લાગી ગયો છે. હાલ ગુજરાતમાં નામાંકન પત્ર ભરાઈ રહ્યા છે. ત્યારે ચૂંટણીમાં જીત મેળવવું હવે મુહૂર્તથી લઇ અને નાનામાં નાની વાતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ત્યારે આજે નવસારી બેઠક પરથી પાટીલ (C.R.Paatil) પોતાનું નામાંકન પત્ર ભરવા જવાના હતા. પરંતુ વિજય મુહૂર્ત નીકળી જતા સી.આર.પાટીલે ફોર્મ ભરવાનું મોકૂફ રાખ્યું છે. હવે તેઓ આવતીકાલે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે.
નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર પાટીલ CM ભુપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિતના સમર્થકો સાથે મોટી સંખ્યામાં બાઇક રેલી યોજી હતી. નવસારીમાં આવેલા મધ્યસ્થ કાર્યાલયથી રેલીની શરૂઆત થઈ હતી. ફૂલોથી શણગારેલી ગાડીમાં પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતનાઓએ રેલી યોજી હતી. આ રેલીમાં ગાયિકા ગીતા રબારીએ સૂરો રેલાવ્યા હતા. આ સાથે જ રેલીમાં જંગી જનમેદની જોવા મળી હતી. પરંતુ રોડ શોમાં જ વધુ સમય નીકળી જતા ફોર્મ ભરવાનું 12.39નું વિજય મુહૂર્ત નીકળી ગયુ હતું. જેના કારણે હવે તેઓ કાલે નામાંકન પત્ર ભરશે. હજારોની જનમેદની સાથે રોડ શો યોજ્યા બાદ પાટીલ પરત ફર્યા હતા.