ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. ગાંધીનગરથી ભાજપના ઉમેદવાર અમિત શાહે પોતાના મતવિસ્તારમાં વિશાળ રોડ શો યોજ્યો હતો. શાહના રોડ શોમાં સમર્થકોનું ઘોડાપુર જોવા મળ્યું હતું. પરંતુ વિશાળ જનમેદની વચ્ચે એક માઠા સમાચાર મળ્યા છે. અમિત શાહના રોડ શોના બંદોબસ્તમાં એક હોમગાર્ડ જવાનને હાર્ટ એટેક આવતા તેનું મોત થયું છે. અમિત શાહના રોડ શોના બંદોબસ્તમાં હોમગાર્ડ જવાન તૈનાત હતો. VVIP બંદોબસ્તમાં સાંણદ ગઢીયા ચાર રસ્તે પોઈંટ ઉપર હાજર હતા, તે દરમિયાન આ અગમ્ય ઘટના બની હતી. હોમગાર્ડ વિશે મળતી માહિતી પ્રમાણે સાણંદ યુનિટ હોમગાર્ડમાં 6 વર્ષથી ફરજ બજાવતા હતા. પરંતુ અમિત શાહનો અમદાવાદમાં રોડ શો હોવાના કારણે બંદોબસ્ત પોઈન્ટ બદલાયો હતો અને હોમગાર્ડ જવાનને હદય હુમલા આવતા તેનું મોત થયું હતું.
હોમગાર્ડ જવાન સાણંદના વસોદરા ગામનો વતની હતો. સાણંદ હોમગાર્ડ યુનિટ સંનત નંબર 2183, હોદ્દો AHG છે. હોમગાર્ડ જવાનનું નામ પ્રવિણભાઈ હરગોવિંદભાઈ કો.પટેલનું મોત થયું છે. હોસ્પિટલ ખાતે ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. ગાંધીનગરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના મતવિસ્તારમાં ઝંઝાવતી પ્રચાર કર્યો હતો. વિશાળ રોડ શો યોજી મતદારો પાસે ભાજપ માટે મત માગ્યા હતા. શાહના રોડ શોમાં સમર્થકો અને કાર્યકરોનો જમાવડો જોઈ શકાય તેવો હતો. ઠેર ઠેર કેસરિયા ઝંડા જ જોવા મળી રહ્યા હતા. કેસરી સાફા અને ભાજપના સમર્થનમાં ઠેર ઠેર હોડિંગ્સ અને પોસ્ટરોને કારણે આખા માહોલ જાણે ભાજપ મય બની ગયો તેમ લાગતું હતું.
સાણંદથી શરૂ થયેલા શાહના આ પ્રચંડ પ્રચારમાં રોડ-રસ્તા ભાજપના કાર્યકરોથી ઉભરાઈ ગયા હતા…શાહના સ્વાગત માટે અનેક જગ્યાએ સ્ટેજ બનાવવામાં આવ્યા હતા…આ સ્ટેજ પર સાંસ્કૃતિક પ્રોગ્રામની ઝાકમઝોળ જોવા મળી હતી. શાહના આ મેગા રોડ શોમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોવા મળી હતી. ઢોલ નગારાના તાલે સમર્થકો ઝૂમ્યા હતા અને ચારે બાજુ જયશ્રી રામ…400 પારના નારા લાગ્યા હતા. અમિત શાહે ઝી 24 કલાક સાથે એક્સક્લુઝીવ વાતચીત કરી હતી. જેમાં તેમણે સ્પષ્ટ કહ્યું કે દેશની જનતાએ 400 પારનું મન બનાવી દીધું છે. તો શાહે ગુજરાતની તમામ લોકસભા બેઠક પર ભાજપની લીડ વધશે તેવો દાવો પણ કર્યો. અમિત શાહે રોડ શોની વચ્ચેથી સમર્થકો અને કાર્યકરોને સંબોધિત પણ કર્યા હતા. દેશમાં ફરી એકવાર મોદી સરકાર બનાવવા માટે આહવાન કર્યું હતું.
અમિત શાહ 19 એપ્રિલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે જવાના છે. નોમિનેશન કરતાં પહેલા શાહે વિશાળ રોડ શો યોજીને વિપક્ષને ચેલેન્જ આપી દીધી છે. ભાજપના રાષ્ટ્રીય નેતાઓએ હવે ગુજરાત આવવાનું શરૂ કરી દીધું છે. પ્રધાનમંત્રી મોદી પણ ગુજરાત આવવાના છે. નરેન્દ્ર મોદીની ગુજરાતમાં અનેક રેલીઓનું આયોજન કરાયું છે. ત્યારે જોવાનું રહેશે કે ગુજરાતની જનતા આ વખતે કોને ચૂંટીને દિલ્લી મોકલે છે?