ગુજરાતમાં લોકસભા (Loksabha)ની ચૂંટણીની સાથે સાથે હવે પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી (By Election) યોજાવા જઇ રહી છે. ત્યારે હવે વાઘોડિયા વિધાનસભા બેઠક (Waghodiya Vidhansabha Seat) પર ભાજપે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટીકીટ આપી છે ત્યારે કોંગ્રેસે કનુભાઈ ગોહિલને ટિકિટ આપી છે અને તેમણે નામાંકન પત્ર પણ ભરી દીધું છે ત્યારે હવે આ બેઠક પરથી દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ (Madhu Shrivastava) પણ અપક્ષ ઉમેદવાર તરીકે નામાંકન પત્ર ભરવાના છે.
વડોદરાના વાઘોડિયા વિધાનસભા બેઠક પર ત્રિપાંખીયો જંગ ખેલાવવા જઇ રહ્યો છે. જેમાં પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ દ્વારા વાઘોડિયા વિધાનસભા બેઠક માટે નામાંકન પત્ર ભરવા જવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી. વડોદરામાં વાઘોડિયા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી અને લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. વાઘોડિયા બેઠક પર અપક્ષ ચૂંટાઇ આવેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. આ વખતે ભાજપે તેમને ઉમેદવાર બનાવ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા કનુભાઇ ગોહિલને ટીકીટ આપવામાં આવી છે. ત્યારે આ બંને ઉમેદવારો દ્વારા નામાંકન પત્ર ભરી દેવામાં આવ્યું છે. અને આજે વાઘોડિયા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને હવે દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે પણ અપક્ષ ઉમેદવાર તરીકે નામાંકન પત્ર ભરવાની જાહેરાત કરી છે.
મધુ શ્રીવાસ્તવ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટર જાહેર કરવામાં આવ્યું હતું. તેઓ વિજયના સંકલ્પ સાથે વિજય મુહૂર્તમાં વાઘોડિયા વિધાનસભા બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવશે. મધ્યસ્થ કાર્યાલય, ધીરજ ચોકડીથી તેઓ મામલતદાર કચેરી જઇને ઉમેદવારી નોંધાવશે. જેને લઇને વાઘોડિયા બેઠક પર ત્રિપાંખીયો જંગ ખેલાશે તે હવે નક્કી છે. જો કે, મધુ શ્રીવાસ્તવ ગત ચૂંટણીમાં પણ અપક્ષ ઉમેદવારી કરી ચુક્યા છે. જેમાં તેમને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
તાજેતરમાં જ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વડોદરા આવતા તેમની સાથે મુલાકાત કરી હતી. જે બાદ કોંગ્રેસ મધુ શ્રીવાસ્તવને ટીકીટ આપે તેવી ચર્ચાઓએ ખૂબ જોર પકડયું હતું. પરંતુ આ તમામ ચર્ચાઓનો અંત ત્યારે આવ્યો જ્યારે કોંગ્રેસે કનુભાઈ ગોહિલને ટીકી આપી. જોકે આ પહેલા પણ મધુ શ્રીવાસ્તવનું એક નિવેદન સામે આવ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે જો કોંગ્રેસ તેમને ટિકિટ નહીં આપે તો પણ તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. ત્યારે હવે મધુ શ્રીવાસ્તવની અપક્ષ ઉમેદવારીથી કોને ફાયદો અને કોને નુકશાન થાય છે તે આવનાર સમયમાં જોવા મળશે.