IPL 2024ની શરૂઆતથી જ હાર્દિક પંડ્યાની ચાહકો સતત ટીકા કરી રહ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે રોહિત શર્માને બદલવાનો નિર્ણય મોટાભાગના ચાહકોને પસંદ આવ્યો ન હતો અને લગભગ MIની દરેક મેચમાં ચાહકો હાર્દિક પંડ્યાની હૂટિંગ કરી રહ્યા છે. હવે IPL 2024 શરૂ થયાને એક મહિનો વીતી ગયો છે, પરંતુ તેની ટીકા હજુ પણ ચાલુ છે. જ્યારે પણ હાર્દિક પંડ્યા ટોસ માટે આવે છે અથવા મેદાન પર કંઈપણ કરે છે, ત્યાં હાજર પ્રશંસકો હૂટિંગ કરતાં જોવા મળે છે. જો કે પંડ્યાએ આ અંગે જાહેરમાં કંઈ કહ્યું નથી, પરંતુ હવે ઘણા લોકો કહી રહ્યા છે કે આ કારણે તે ઘણો સ્ટ્રેસમાં છે.
તે જ સમયે, હવે ભૂતપૂર્વ સ્ટાર ક્રિકેટર રોબિન ઉથપ્પાએ ખુલાસો કર્યો છે કે હાર્દિક પંડ્યા IPLમાં થતી હૂટિંગને કારણે મેન્ટલ હેલ્થની સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે.રોબિન ઉથપ્પાએ આ વિશે વાત કરતાં કહ્યું કે, ‘તે એક એવો વ્યક્તિ છે જેની પાસે ભારતીય ટીમ માટે મહાન બનવાની ક્ષમતા છે. જે ટીમે તેને શોધી કાઢ્યો તેણે તેને જવા દીધો અને તે બીજી ફ્રેન્ચાઈઝીમાં ગયો. જ્યારે તે જીટીમાં ગયો, ત્યારે તેણે એક ખિતાબ જીત્યો અને બીજામાં ઉપવિજેતા રહ્યો. પછી વાતચીત શરૂ થઈ.’આગળ એમને કહ્યું, ‘અત્યારે લોકો તેની મજાક ઉડાવી, તેને ટ્રોલ કરવો. તેની ફિટનેસ વિશે મીમ્સ બનાવવું…શું તમને નથી લાગતું કે તેનાથી તેને દુઃખ નહીં થતું હોય? આવી વસ્તુ કોઈપણ વ્યક્તિને નુકસાન પહોંચાડી શકે છે. સત્ય કેટલા લોકો જાણે છે? હાર્દિક ચોક્કસપણે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. હું સમજું છું કે આપણે ભારતીયો લાગણીશીલ છીએ. પરંતુ કોઈ પણ મનુષ્ય સાથે આવું વર્તન કરવું યોગ્ય નથી. આપણે આના પર હસવું પણ ન જોઈએ.’