કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે. ગેનીબેન ઠાકોર સામઢી ગામમાં જાહેર સભા કરી રહ્યા હતા, જેમાં તેમણે પોલીસને ગર્ભિત ધમકી આપતું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે પોલીસ કોંગ્રેસના આગેવાનોના નંબરો લેવા લોકોને ફોન કરી રહી છે. તો જેના ઉપર પોલીસના ફોન આવે એ નંબરો સાચવી રાખજો. તેમના આ વિવાદિત નિવેદનનો વીડિયો પણ સામે આવ્યો છે.
બનાસકાંઠાથી કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ફરી વિવાદમાં આવી ગયા છે. તેમણે ફરી પોલીસ પર નિવેદન આપ્યું છે. જાહેરસભામાં પોલીસને ગર્ભિત ધમકી આપતું ભાષણ કર્યું. ગેનીબેન ઠાકોરે જાહેર સભામાં કહ્યું કે પોલીસ કોંગ્રેસના આગેવાનોના નંબરો લેવા લોકોને ફોન કરે છે. જેના પાસે પોલીસના ફોન આવે એ નંબરો સાચવી રાખજો. પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. તમારી સામે કોઈ ફરિયાદ કરે તો તેની સામે એક્શન લેવાનાં કામની જવાબદારી તમારી છે. કોંગ્રેસ આગેવાનોના નંબર લઈ કલેક્શન કરવાનું કામ તમારું કામ નથી. કોંગ્રેસના આગેવાનોને ધાક ધમકી આપવાની તમારે જરૂર નથી. અમારા મતદારો બેઠા છે. તમને કહું છું 10 કે 15 ફરિયાદો થાય તો તૈયારી રાખજો. ફરિયાદોમાં કશુ કઈ થવાનું નથી. પોલીસવાળા દમ દાટી આપે તો એમને કહેજો.
જાહેર સભામાં લોકોને સંબોધતા વધુમાં ગેનીબેન ઠાકોરે કહ્યું કે પોલીસ તમારા આકાઓનું રાજ કાયમી રહેવાનું નથી. 8મી તારીખ સુધી તમને સારી જગ્યાએ નોકરીએ મુકવાની વાત કરશે. તમને ફુલાવશે પણ તમારે 58 વર્ષ સુધી નોકરી કરવાની છે. તમને કોઈ ભાજપ પગાર નથી આપતી. તમને પ્રજાના પરસેવાનો પગાર મળે છે. જો તમે કાયદાનું ભંગ કરીને કોઈને દબાવવાનો પ્રયાસ કરશો, તો તમે જેવા છો એવા થતાં અમને વાર નહીં લાગે.