જમ્મુ-કાશ્મીરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં આવેલા બંદીપોરાના રંગી જંગલમાં આતંકવાદીઓ વિરુદ્ધ પોલીસ અને સુરક્ષા દળોનું ઓપરેશન ચાલી રહ્યું છે. આ અથડામણમાં સેનાના બે જવાન ઘાયલ થઇ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને તરફથી ગોળીબાર ચાલુ છે. આતંકવાદી છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ આ વિસ્તારમાં ઓપરેશન શરૂ કર્યું હતું. જણાવી દઇએ કે, ભારતીય સેના ખીણમાંથી આતંકવાદીઓને ખતમ કરવા માટે દિવસ-રાત સતત કામ કરી રહી છે. ત્યારે આજે જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં બુધવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. જેમા ભારતીય સેનાના બે જવાનોને ઈજા પહોંચી છે. મળતી માહિતી મુજબ, જવાનોને ખભામાં ઈજા થઈ છે, હાલમાં બંનેની હાલત સ્થિર છે.
આ મામલે એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, આતંકવાદીઓની હાજરી અંગેના ઈનપુટ બાદ સેના બાંદીપોરાના ઉપરના વિસ્તારોમાં રાંગીના જંગલોમાં સર્ચ કરી રહી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, છુપાયેલા આતંકવાદીઓએ સર્ચ પાર્ટી પર ગોળીબાર કર્યો, જેમાં બે જવાનોને નાની-મોટી ઈજાઓ થઈ, તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જો કે બંને સુરક્ષિત છે. દરમિયાન, વધુ સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને છુપાયેલા આતંકવાદીઓની શોધ તેજ કરવામાં આવી છે.
પોલીસે તેમના તરફથી જણાવ્યું હતું કે, રાંગી જંગલ વિસ્તારમાં વહેલી સવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. દરમિયાન, ચાલુ સુરક્ષા કામગીરીમાં મદદ કરવા માટે હેલિકોપ્ટરને પણ સેવામાં લગાવવામાં આવેલ છે. હાલમાં સુરક્ષાની કામગીરી ચાલી રહી છે. જણાવી દઈએ કે, 22 એપ્રિલના રોજ આતંકવાદીઓએ રાજૌરીમાં ટેરિટોરિયલ આર્મીના જવાનના ઘર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સેનાના જવાનનો ભાઈ શહીદ થયો હતો. આતંકીઓ સૈનિકનું અપહરણ કરવાના હેતુથી આવ્યા હતા. પરંતુ તેઓ આ યોજનામાં નિષ્ફળ ગયા. આ ઘટના પાછળ લશ્કર-એ-તૈયબાના વિદેશી આતંકવાદી અબુ હમઝાનો હાથ હોવાનું કહેવાય છે.