લોકસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળ 26 એપ્રિલે 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન થવાનું છે. આને લઈને હાઈ-વોલ્ટેજ પ્રચાર અભિયાન બુધવારે સાંજે બંધ થઈ ગયો. 26 એપ્રિલે કેરળની તમામ 20 સીટ પર, કર્ણાટકની 28 સીટોમાંથી 14 સીટ પર, રાજસ્થાનમાં 13 સીટ પર, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં 8-8 સીટો પર, મધ્યપ્રદેશની 7 સીટ પર, આસામ અને બિહારમાં 5-5 સીટ પર મતદાન થશે, જયારે છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં 3-3 બેઠકો પર અને મણિપુર, ત્રિપુરા અને જમ્મુ-કાશ્મીરમાં 1-1 બેઠક પર મતદાન થશે. જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળ 19 એપ્રિલે 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થયું હતું, જેમાં લગભગ 65.5 ટકા મતદાન થયું હતું.
બીજા તબક્કામાં જે બેઠકો પર મતદાન થવાનું છે ત્યાં અનેક દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે. તેમાં કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર (તિરુવનંતપુરમ), બીજેપી નેતા તેજસ્વી સૂર્યા (કર્ણાટક), મથુરાથી હેમા માલિની, મેરઠથી અરુણ ગોવિલ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (વાયનાડ), તિરુવનંતપુરમથી શશિ થરૂર, કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારના ભાઈ ડી.કે. સુરેશ (કોંગ્રેસ) અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી (જેડીએસ) સામેલ છે.
દેશની 16 ટકા બેઠકો પર બીજા તબક્કામાં 26 એપ્રિલે મતદાન થશે. બીજા તબક્કાની 88 બેઠકોમાંથી ગઈ વખતની ચૂંટણીમાં, NDAએ 61 બેઠકો જીતી હતી અને UPAએ 24 બેઠકો જીતી હતી, જ્યારે અન્યોએ ત્રણ બેઠકો જીતી હતી. બીજા તબક્કાનાં મતદાનમાં જનતા 2 કેબિનેટ મંત્રી અને 4 રાજ્ય મંત્રીઓનું ભાવિ નક્કી કરશે. આ તબક્કામાં 29 બેઠકો એવી છે જ્યાં ભાજપ ક્યારેય જીતી શકી નથી. તેમાંથી કેરળમાં સૌથી વધુ 20 સીટો છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો, બીજા તબક્કામાં આઠ બેઠકો પર મતદાન થવાનું છે, જેમાંથી 7 બેઠકો ગઈ વખતે 2019માં ભાજપ પાસે જ હતી.
બીજા તબક્કામાં, યુપીની જે 8 લોકસભા બેઠકો પર 26 એપ્રિલે મતદાન થવાનું છે તેમાં અમરોહા, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર, બુલંદશહર, અલીગઢ અને મથુરાનો સમાવેશ થાય છે. બીજા તબક્કાના મતદાનમાં 91 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. તેમાં ત્રીજી વખત મથુરાથી ચૂંટણી લડી રહેલી હેમા માલિની અને મેરઠથી ચૂંટણી લડી રહેલા અરુણ ગોવિલ પણ સામેલ છે. અમરોહાથી કોંગ્રેસના દાનિશ અલી, ગાઝિયાબાદથી બીજેપીના અતુલ ગર્ગ, ગૌતમ બુદ્ધ નગરથી મહેશ શર્મા પણ મેદાનમાં છે, અને સતત તેમના વિસ્તારોમાં જઈને લોકો પાસેથી સમર્થન માંગી રહ્યા છે.
યુપીમાં NDA, ઇન્ડિયા બ્લોક અને બહુજન સમાજ પાર્ટી (BSP) વચ્ચે ત્રિકોણીય મુકાબલો થશે. જેમાં તમામ રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ ચૂંટણી પ્રચારમાં ભાગ લઈ રહ્યા છે. જ્યાં એક તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે સત્તારૂઢ એનડીએ માટે પ્રચાર કર્યો, તો બીજી તરફ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, બસપા પ્રમુખ માયાવતી અને રાષ્ટ્રીય લોક દળ (RLD)ના વડા જયંત સિંહે તેમની પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર કર્યો.
અહેવાલો અનુસાર, વડા પ્રધાન મોદીએ સોમવારે મોટી મુસ્લિમ વસ્તીવાળા મતવિસ્તાર અલીગઢમાં એક ચૂંટણી રેલીમાં કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે જો તેઓ સત્તામાં આવે તો લોકોની સંપત્તિને વહેંચવાની યોજના બનાવી રહી છે. ભાજપ પર નિશાન સાધતા અખિલેશ યાદવે કહ્યું કે કોઈ ચોક્કસ સમુદાયનું નામ લેવું અને તેના વિશે ખોટું બોલવું એ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા એ સમુદાયનું અપમાન છે. જ્યારે બુલંદશહેરમાં એક ચૂંટણી રેલીમાં માયાવતીએ ભાજપ પર નિશાન સાધ્યું અને કહ્યું કે યુપીમાં બસપા સરકારે નોઈડા અને ગ્રેટર નોઈડા વિસ્તારનો વિકાસ કર્યો હતો, પરંતુ તેનો શ્રેય ભાજપ લઈ રહી છે.
બીજા તબક્કામાં યુપીની જે આઠ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે તેમાંથી ભાજપે 2019ની ચૂંટણીમાં 7 બેઠકો જીતી હતી, જ્યારે અમરોહામાં બસપાનો વિજય થયો હતો. અમરોહાના સાંસદ દાનિશ અલી આ બેઠક પરથી ઇન્ડિયા બ્લોકના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણી પંચના નિયમો અનુસાર, સ્વતંત્ર, સમાવિષ્ટ અને નિષ્પક્ષ ચૂંટણીઓ યોજવા માટે, રાજકીય પક્ષો અને તેમના ઉમેદવારો દ્વારા હાથ ધરવામાં આવતી તમામ ચૂંટણી પ્રચાર પ્રવૃત્તિઓ મતદાનનો સમયગાળો પૂરો થવાના 48 કલાક પહેલા સાંજે 6 વાગ્યે બંધ થઈ જાય છે.