આગામી લોકસભા ચૂંટણીમાં વધુ મતદાન થાય એ માટે ગાંધીનગર ના મુખ્ય ચૂંટણી અધિકારીએ એક નવતર પ્રયોગ અમલમાં મૂક્યો છે. ગાંધીનગર મહાનગરના મતદારોને મતદાન કર્યા બાદ નક્કી થયેલ રેસ્ટોરન્ટો, ફરસાણની દુકાનો, આઈસ્ક્રીમ પાર્લર સહિતના ખાણીપીણી ના વેપારીઓ બિલમાં ૭ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. મતદાન કરીને રેસ્ટોરન્ટ, આઇસ્ક્રીમ પાર્લર અને ફરસાણ ની દુકાને પોતાનો મતદાન કર્યાનું કાળુ ટપકું બતાવી મતદારો લાભ મેળવી શકશે. ગાંધીનગર મુખ્ય ચૂંટણી અધિકારીએ વેપારીઓની બેઠક બોલાવી વધારે મતદાન માટે સહયોગ આપવા અપીલ કરી હતી.
જૂનાગઢમાં હોટેલ્સ અને રેસ્ટોરાં માલિકોનો મતદાન જાગૃતિ માટે અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. બ્લૂ ટિક બતાવનારા મતદારોને 7 ટકા ડિસ્કાઉન્ટ મળશે. તેમજ જૂનાગઢની નાની મોટી 45 હોટેલ માલિકોએ મળી અભિયાન શરૂ કર્યું છે. હોટેલ મલિકોએ જીલ્લા કલેક્ટર સાથે બેઠક યોજી સ્વૈચ્છિક સંમતિ દર્શાવી હતી. 7 મી મે નાં દિવસે યોજાનાર મતદાનને લઈ જૂનાગઢનાં વેપારીઓ દ્વારા શરૂ કરી અનોખી પહેલ. દેશમાં ચૂંટણીનો માહોલ ચરમસીમાએ છે. એક તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે અને આજે શુક્રવારે 80થી વધુ બેઠકો પર બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આ પછી વધુ પાંચ તબક્કામાં મતદાન થવાનું છે. ચૂંટણીના માહોલમાં ચૂંટણી પંચ સહિત વિવિધ સંસ્થાઓ વધુને વધુ મતદારોને મતદાન કરવા પ્રોત્સાહિત કરી રહી છે. કંપનીઓ અને બિઝનેસ જગત પણ આ પ્રયાસોમાં પાછળ નથી.
લોકોને મત આપવા માટે પ્રોત્સાહિત કરવા માટે ઘણી કંપનીઓ અને વ્યવસાયો ખાસ ઝુંબેશ ચલાવી રહ્યા છે. આ માટે મતદાતાઓને વિવિધ ઉત્પાદનો અને સેવાઓ પર ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યા છે. મતદારો માટે આ ડિસ્કાઉન્ટની શ્રેણી ખૂબ જ વિશાળ છે અને તેનો વિસ્તાર ઉડ્ડયનથી લઈને રેસ્ટોરન્ટ્સ સુધીનો છે. ઉડ્ડયન કંપની એર ઈન્ડિયા એક્સપ્રેસ પ્રથમ વખત 18 થી 22 વર્ષની વયના મતદારોને પોતાનો મત આપવા માટે ભાડામાં વિશેષ ડિસ્કાઉન્ટ આપી રહી છે. જો પ્રથમ વખત મતદાર પોતાનો મત આપવા માટે તેના સંસદીય મતવિસ્તારમાં જવા માંગે છે, તો તે એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટના ભાડામાં 19 ટકાના વિશેષ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે. આ ડિસ્કાઉન્ટ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ તેમજ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર ઉપલબ્ધ છે.
બ્લુસ્માર્ટ, ઇલેક્ટ્રિક વાહન રાઇડ હેલિંગ સર્વિસ પૂરી પાડતી કંપનીએ મતદારો માટે મુસાફરીના ભાડામાં ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. કંપની દિલ્હી અને બેંગલુરુના મતદારોને મતદાન કેન્દ્ર અને ત્યાંથી પાછા ફરવા માટે ભાડામાં છૂટ આપી રહી છે. બેંગલુરુના મતદારોને એમ્યુઝમેન્ટ પાર્ક ચેઈન વન્ડરલા પર ટિકિટ પર 15 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એનરિચ તેની સલૂન ચેઇનમાં મતદારોને 50 ટકા વધારાનું ડિસ્કાઉન્ટ અથવા રિવોર્ડ પોઈન્ટ આપી રહ્યું છે. આ ઓફર અમદાવાદ, બેંગલુરુ, મુંબઈ, ઈન્દોર, પુણે જેવા શહેરો માટે છે. આ ઑફર મતદાનના દિવસથી આગામી એક સપ્તાહ માટે માન્ય છે. નોઇડાના મતદારો કાફે દિલ્હી હાઇટ્સ, એફ બાર, આઇ સેઇડ ન્યૂટન, નોઇડા સોશિયલ, ધ બીયર કેફે વગેરે પર વિશેષ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.