વડોદરાનાં સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા 29 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતા આઈસરનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે એએસજી હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે ઘટનાં સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેર-જિલ્લામાં ભારદારી વાહનની ટક્કરે અકસ્માતની ઘટના સામે આવતી રહે છે. આજે સવારે જિલ્લાના સાંકરદા ગામે આઇસર ટેમ્પો ભરીને સામાજીક પ્રસંગે જઇ રહેલા લોકોને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી રહી છે. સમગ્ર ઘટનાને લઇ પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, અડાસથી ટેમ્પો ભરીને લોકો સામાજીક પ્રસંગે જવા માટે સાંકરદાના મોક્સી ગામ તરફના રસ્તે નિકળ્યા હતા. દરમિયાન રસ્તામાં સામેથી આવતા ડમ્પરની ટક્કરે ટેમ્પા સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટેમ્પો પલટી જતા તેમાં પાછળ કેબિનમાં બેઠેલા મુસાફરો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા.
વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર, સ્થાનિકો દ્વારા ભેગા મળીને આઇસર ટેમ્પાના અકસ્માતમાં લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. અકસ્માત સમયે ટેમ્પોમાં 40 થી વધુ લોકો જઇ રહ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. તે પૈકી 15 લોકો વધુ ઇજાગ્રસ્ત થતા તેમને એસએસજી હોસ્પિટલ સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા છે. આ પૈકી 4 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. અને એકનું મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક સુત્રો ઉમેરી રહ્યા છે. જો કે, મૃત્યુને લઇને કોઇ સત્તાવાર માહિતી સામે આવી નથી. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા છે. અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ઘટનાને પગલે લોકોમાં ડમ્પર ચાલકો સામે રોષની લાગણી જોવા મળી રહી છે.