19 એપ્રિલે પ્રથમ તબક્કામાં 102 બેઠકો માટે મતદાન થયું હતું. હવે બીજા તબક્કામાં આજે કેરળની તમામ 20 સંસદીય ક્ષેત્રોમાં મતદાન શરૂ થઈ ગયું છે. કોંગ્રેસે ફરી એકવાર રાહુલ ગાંધીને આ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે.જ્યારે સીપીઆઈના નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન વુમનના જનરલ સેક્રેટરી અને પાર્ટીના જનરલ સેક્રેટરી ડી રાજાના પત્ની એની રાજા રાહુલ ગાંધી સામે ચૂંટણી લડી રહ્યા છે.
2009થી સતત જીતી રહેલી કોંગ્રેસને 2019માં પણ અહીંથી સફળતા મળી હતી. 2019ની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ CPIના પીપી સુનિરને 4 લાખથી વધુ મતોથી હરાવ્યા હતા. રાહુલને 7 લાખ 6 હજાર 367 વોટ મળ્યા જ્યારે સુનીરને 2 લાખ 74 હજાર 597 વોટ મળ્યા હતા. તફાવત 4,31,770 મતનો હતો.2014ની લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસે MI શાનવાસને ટિકિટ આપી હતી અને તેમણે CPIના ઉમેદવાર પીઆર સત્યન મુકરીને 20 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. શાનવાસને કુલ 3,77,035 વોટ મળ્યા જ્યારે સત્યન મુકેરીને 356165 વોટ મળ્યા. આ લોકસભા સીટ પર 12.5 લાખથી વધુ મતદારો છે.
2009ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના MI શાનવાસ 1.5 લાખથી વધુ મતોથી જીત્યા હતા. તેમણે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના ઉમેદવાર એમ. રહેમતુલ્લાહને હરાવ્યા હતા. શાનવાસને 410703 વોટ મળ્યા જ્યારે એમ. રહેમતુલ્લાને 257264 વોટ મળ્યા. જીત અને હાર વચ્ચે 153439 વોટનો તફાવત હતો.
જો વાત કરીએ વાયનાડ શહેરની તો આ શહેરની સ્થાપના 1 નવેમ્બર 1980ના રોજ કરવામાં આવી હતી. વાયનાડમાં કુલ સાત વિધાનસભા મતવિસ્તાર છે. વાયનાડ લોકસભા સીટ વર્ષ 2009માં અસ્તિત્વમાં આવી હતી. વર્ષ 2008માં સીમાંકન બાદ તેને લોકસભા સીટ જાહેર કરવામાં આવી હતી. વર્ષ 2009માં વાયનાડ લોકસભા સીટ પર પ્રથમ ચૂંટણી યોજાઈ હતી.