સુરતની યુવતી સાથે દુષ્કર્મના કિસ્સામાં આસારામ સામે વર્ષ 2013માં ipcની કલમ 376, 377, 354, 357, 342, 346, 504, 506(2), 201, 175, 179 અને 120B મુજબ ગુનો નોંધાયો હતો. આ કેસ ગાંધીનગરની સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં ગત વર્ષે કોર્ટે આસારામને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. આસારામ 10 વર્ષ કરતા વધુ સમયથી જેલમાં છે. ત્યારે બાકીની સજા રદ્દ કરવા ઉપરાંત ગાંધીનગર સેશન્સ કોર્ટના ચુકાદાને આસારામે હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેની સુનાવણી જજ એ. એસ. સુપેહીયા અને વિમલ વ્યાસની કોર્ટમાં ચાલી રહી છે.
આસારામના વકીલ આશિષ ડગલી અને આઇ. એચ. સૈયદ કોર્ટમાં ઉપસ્થિત થયા હતા. અગાઉ તેમને કોર્ટને જણાવ્યું હતું કે, આસારામ 85 વર્ષના છે અને બહુ બીમાર છે. ઘટના બન્યાના 12 વર્ષ બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં પણ રસોઇયાનું સીઆરપીસી 164 મુજબ નિવેદન લેવાયું હતું, જેની હત્યા થઈ ચૂકી છે. 12 વર્ષ બાદ કોઈપણ FSL કે મેડિકલ રિપોર્ટ પણ થઈ શકે નહીં. આસારામ કાલે હોય કે ના હોય ત્યારે તેને ઝડપી ન્યાયની આશા છે.
જો કે, સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, આસારામની આ અપીલમાં પીડિત પક્ષને જોડ્યો નથી. સુપ્રીમકોર્ટના જગજીતસિંહ અને અન્ય સામે આશિષ મિશ્રા અને અન્યના વર્ષ 2022ના જજમેંટ મુજબ આવા કેસમાં પીડિત પક્ષને રજૂઆત કરવાની તક આપવી જોઈએ. જેથી અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે, તેમને સમય જોઈએ છે. આથી આ મુદ્દે હવે 29 એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરાશે.
અગાઉ કોર્ટે કહ્યું હતું કે, વેકેશન પહેલા બીજી એપ્રિલથી આ કેસ ઉપર સુનાવણી શરૂ થશે અને વેકેશન બાદ તેનું જજમેન્ટ આપી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટે આસારામને મળવા માટે નારાયણ સાઈએ કરેલ જામીન અરજી પણ અગાઉ ફગાવી દીધી હતી. આસારામ 2018થી રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ છે. અગાઉ આસારામના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, આ કેસમાં સાત આરોપીઓ હતા. જેમાંથી આસારામની દોશી ઠેરવીને આજીવન કરાવવાની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે 6 જેટલા લોકોને નિર્દોષ છોડવામાં આવ્યા હતા. ઓક્ટોબર 2013માં આસારામ વિરુદ્ધ સુરતની યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ યુવતી જ્યારે આસારામના અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે હતી, ત્યારે આસારામે તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. આ યુવતીએ ફરિયાદ ડીસીપી ઝોન 4 સુરત ખાતે કરી હતી. જેને ચાંદખેડા પોલીસ સ્ટેશનને ટ્રાન્સફર કરવામાં આવી હતી.