પાવી જેતુપુર સ્વામિનારાયણ મંદિર ખાતે આજે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં કોંગ્રેસની ભવ્ય સભા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તેમજ એઆઇસીસીના સેક્રેટરી મુકુલ વાસનિક, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરૂ અને પૂર્વ વિપક્ષ નેતા અને કોંગ્રેસના છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર સુખરામ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.
સુરતમાં કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ થયાને લઈને પણ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, જે રીતે પૈસા લઈને પેપર ફોડવામાં આવતા હતા એ રીતે હાર ભાળી ગયેલી ભારતીય જનતા પાર્ટીની સ્પર્ધા પણ જોઈતી નથી. લોકોનો ડર એવો લાગે છે કે કોઈ ઉમેદવાર ના રહેવો જોઇએ, અપક્ષ કે નોટા પણ ના રહેવો જોઈએ અને એના માટે લોકશાહીને કલંકિત કરવાનું કામ સુરતમાં જે ભાજપે કર્યું છે એનો બદલો લોકો અન્ય સીટો પર બરાબર રીતે લેશે.
આજે પાવી જેતપુર ખાતે જનસભામાં શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, આજે મળેલા સાથ સહયોગ અને સમર્થન માટે કોંગ્રેસ પક્ષ વતી હૃદયપૂર્વક આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટી અહંકારનું વલણ અપનાવ્યું છે. જ્યાં આગળ ખરેખર ગ્રામીણ વિસ્તાર આદિવાસી, બક્ષીપંચ, જરૂરિયાતમંદ માટે નાણા વપરાવવા જોઈએ એ નાણાઓ નકલી ઓફિસો ઊભી કરીને ભયંકર ભ્રષ્ટાચાર કરાયો છે.
એક સરકારના જ IAS અધિકારીનું હૃદય દ્રવી ઉઠ્યું અટલે કાગળ લખ્યો કે, આદિવાસી વિસ્તારના બાળકોના ભવિષ્ય સાથે ચેડા થાય છે. શાળામાં શિક્ષક નથી, શાળામાં સુવિધા નથી અને બાળક ચોથા ધોરણમાં હોય એને પહેલાં ધોરણ જેટલું પણ આવડતું નથી. બાળક તેજસ્વી છે પણ એને ભણાવનાર શિક્ષક જ નથી. આ વિસ્તારોની અવગણના ભારતીય જનતા પાર્ટીએ કરી છે.
નોકરીઓ નથી, બીજી તરફ પેપર ફૂટે છે. ભ્રષ્ટાચારના કારણે બ્રિજ તૂટે છે. સરકારી કર્મચારીની બદલે આઉટસિંગ, ફિક્સ પગાર, જૂની પેન્શન યોજના નથી આ તમામ લોકો દુઃખી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અહંકારમાં છે. લોકો સાથે સંવાદ કરવો એ લોકશાહીનો સિદ્ધાંત છે પરંતુ સંવાદ નહીં સંઘર્ષ કરો, લાઠી ચલાવો, આબરૂ પાડો, પાઘડી પાડો અને દાદાગીરી કરો આ જ ભાજપનો અહંકાર છે. અહંકાર તો જેની સોનાની નગરી હતી એનોય નથી ટક્યો. લોકશાહીમાં લોકો મહાન અને એટલા માટે જનતા જનાર્દન કોંગ્રેસ પક્ષના ઉમેદવારને વોટ પણ આપે છે. સમગ્ર ગુજરાતમાંથી જે પ્રેમ, આશીર્વાદ અને સમર્થન મળી રહ્યું છે તે માટે મારા વહાલા તમામ ગુજરાતીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. જીતુ વાઘાનીના નિવેદનને લઈને પણ પ્રતિક્રિયા આપી છે તેઓ જણાવે છે કે, જેવું માણસને કમળો થયો હોય એ પીળું ભાળે આપણે ત્યાં કહેવાય છે એટલે જે શબ્દોનો પ્રયોગ જે કરે એણે અરીસામાં જોયું હશે સવારમાં એ જેવા છે એવા બીજાને કહે છે.
ક્ષત્રિય સમાજના વિરોધને લઈને પણ પ્રતિક્રિયા આપી અને જણાવ્યું કે, જો ભાઈ આ અહંકાર છે લોકશાહીમાં સંવાદ કરવો જોઈએ. ભૂતકાળમાં પાટીદાર સમાજની વાતનો અવાજ ઓછો હતો. 14 – 14 પાટીદાર યુવાનો શહિદ થયા છે, બહેનો-દીકરીઓને ઘરમાંથી કાઢી કાઢીને મારવાનું પાપ ભાજપે કર્યું, એ પછી જુનાગઢમાં કોળી દીકરી ચાંદનીની હત્યાથી કોળી સમાજ આક્રોશીત હતો કોઈ સંવાદ નહીં.
પાલીતાણાની શિક્ષણ સંસ્થામાં કોળી દીકરી પાણીની ટાંકીમાં ડૂબીને ગુજરી ગઈ એવું કહે છે પણ એ પાણીની ટાંકી જ એટલી ઊંડી નહોતી, કોળી સમાજના આગેવાનોએ માગ કરી કોઈ સંવાદ નહીં સંઘર્ષ કર્યો. કર્મચારીઓ આંગણવાડીની બહેનો દલિત ભાઈઓ આદિવાસી ભાઈઓ સંઘર્ષ કર્યો છે અને એટલા જ માટે એકત્રિત થયા છે અને એટલે ગુજરાતના તમામ સમાજો એકત્રિત થયા છે અને એ ભારતીય જનતા પાર્ટીને ભાન ભૂલેલી ભાજપને શાંત ઠેકાણે લાવશે ગુજરાતના લોકો.