હાલ ચાલતી લોકસભાની ચૂંટણીને લઈને આજથી ભાજપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસના મહાસચિવ અને સ્ટાર પ્રચારક પ્રિયંકા પણ આજે વલસાડના ઉમેદવાર અનંત પટેલ માટે પ્રયાર કર્યો હતો. પ્રિયંકા ગાંધીએ ધરમપુરના દરબાર ગઢ કમ્પાઉન્ડમાં જાહેર સભાને સંબોધી હતી. લા આ દરમિયાન તેમણે ભાજપ અને પીએમ મોદી (PM Modi) પર પ્રહારો કર્યા હતા.
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યુ કે, “તમે જોયું જ હશે, ભાજપના નેતાઓએ કહ્યું છે કે તેઓ બંધારણ બદલવા માંગે છે અને પીએમ મોદી તે નિવેદનનું ખંડન કરે છે… આ એક ખતરનાક બાબત છે. આ બંધારણે તમને તમામ અધિકારો આપ્યા છે, તો પછી આની શું જરૂર છે. તેઓ લોકતંત્ર અને રાષ્ટ્રના લોકોને નબળા પાડવા માંગે છે. 10 વર્ષમાં સરકારે દલિતો કે આદિવાસી કે સામાન્ય જનતાને મજબુત કરવાનું કોઈ કામ કર્યું નથી. ફક્ત તેઓને કમજોર કરવાનું કામ કર્યું છે. જ્યારે અમારી સરકાર હતી ત્યારે મીડિયા દરરોજ સવાલો ઉઠાવતી હતી, જે લોકતંત્ર માટે સારી વાત હતી, પણ આજે જે પરિસ્થિતિ છે ત્યારે સમગ્ર મીડિયા વેચાઈ ગયેલી છે
ત્યારબાદ વધુમાં તેમણે કહ્યું કે, અમારા ઘોષણાપત્રનું નામ અમે ન્યાય પત્ર આપ્યું છે, કેમ કે, છેલ્લા 10 વર્ષમાં ખાલી અન્યાય જ થઈ રહ્યો છે, તમને ન્યાય નથી મળ્યો એટલે જ અમે તેનું નામ ન્યાય પત્ર રાખ્યું છે, આજે દેશમાં તમામ લોકોને ન્યાય જોઈએ છે. અમે ઘણી બધી ગેરેન્ટી લઈ આવ્યાં છીએ. અમારી જ્યા જ્યા સરકાર છે ત્યા ત્યા અમે જે જે ગેરેન્ટી આપી છે તે બધી ગેરેન્ટી પુરી કરી છે.
મોંઘવારીને લઈને ભાજપ પર પ્રહાર કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે, ભાજપ સરકાર ચૂંટણીઓ આવે ત્યારે જ પેટ્રોલ-ડિઝલ અને ગેસ સિલિન્ડરના ભાવ ઓછા કરે છે. કમર તોડ મોંઘવારીને અમે કંટ્રોલમાં કરીશું, ભાજપના નેતાઓ કહે છે કે, મોદીજીમાં એટલી તાકાત છે કે આખુ વિશ્વ એમને બોલાવે છે, એ ધારે એ ચપટીમાં કરી શકે છે, તો ચપટીમાં મોંઘવારી ઓછી કેમ ન કરી? ચપટીમાં તમને પાણી કેમ ન આપ્યુ? મોંઘવારી એટલી વધી ગઈ છે કે દેશના ખેડૂતને 10 હજાર માટે આત્મહત્યા કરવી પડે છે અને મોદીએ એમના ઉદ્યોગપતિ મિત્રનું 16 લાખ કરોડ રુપિયાનું દેવુ માફ કરી દીધું. દેશની બધી સંપતિ શું ઉદ્યાગપતિઓને જ આપી દેવાની છે? ભાજપ સરકાર શું ગરીબો માટે ચાલે છે કે કરોડ પતિઓ માટે?
વધુમાં તેમણે કહ્યું કે, છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકારમાં તમારી સ્થિતિ સુધરવાના બદલે વધારે બગડી છે અને જો હજી પણ આ સરકાર આવશે તો તમારો વિકાસ નહીં થાય. અમારી સરકાર આવશે, ત્યારે તમને એટલી મદદ મળશે કે આવનાર થોડા જ સમયમાં તમે ખુદના પગ પર ઉભા થઇ શકશો. એમ ખાલી વાયદો નથી કરતા, રાજસ્થાનમાં અમારી સરકાર હતી તો અમે કરી બતાવ્યું છે.