અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અમદાવાદનાં સાબરમતી ખાતે મુખ્ય ડેપોની કામગીરી શરૂ છે. બાંધકામ માટે થતું ખોદકામ પૂર્ણતાનાં આરે છે. બુલેટ ટ્રેનનાં રિપેરિંગ અને મેઈન્ટેનન્સ માટે 3 ડેપો તૈયાર કરાશે. અમદાવાદથી મુંબઈ વચ્ચે 3 ડેપો તૈયાર કરાશે. મુખ્ય ડેપો સાબરમતી ખાતે 83 હેક્ટરમાં બનાવવામાં આવશે. અન્ય 2 ડેપો સુરત અને મહારાષ્ટ્રનાં થાણે ખાતે તૈયાર કરાઈ રહ્યા છે. સાબરમતી ખાતે બનનારા ડેપોથી એક હજાર લોકોને રોજગારી મળવાની શક્યતા છે.
સાબરમતી ખાતે તૈયાર થઈ રહેલ મુખ્ય ડેપોમાં વહીવટી વિભાગ તેમજ ફાઉન્ડેશનનું કામ તેમજ આરસીસીનું કામ હાલ ચાલી રહ્યું છે. આ બાબતે વધુમાં નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશનનાં અધિકારીએ જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેનનાં સંચાલન અને ઓપરેશનલ જરૂરિયાતો સાથેની તમામ સુવિધા સાબરમતી ખાતે રોલિંગ સ્ટોક ડેપોમાં ઊભી કરાશે.
સાબરમતી ખાતે 83 હેક્ટરમાં ફેલાયેલા ત્રણ ડેપોમાં સૌથી મોટો ડેપો છે. નિરીક્ષણની સાથે વોશિગ પ્લાન્ટ, વર્કશોપ, શેડ્સ અને સ્ટેબલિંગ લાઈનો અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ કરાશે. ત્યારે સાબરમતી ડેપો જાપાનનાં બુલેટ ટ્રેનનાં ડેપોની થીમ પર તૈયાર કરવામાં આવશે. ત્યારે ડેપોમાં હાલ 4 પરીક્ષણ લાઈન અને 10 સ્ટેબલિંગ લાઈન તૈયાર કરાશે. જેને ભવિષ્યમાં ડેવલપ કરી 8 પરીક્ષણ લાઈન અને 29 સ્ટેબલિંગ લાઈન સુધી વિસ્તારી શકાય તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે.