ATS-NCBના જોઈન્ટ ઓપરેશનમાં ગુજરાત-રાજસ્થાનમાંથી ડ્રગ્સ બનાવવાની 4 ફેક્ટરી ઝડપાઇ છે. સમગ્ર રેકેટમાં ગુજરાતમાં 2 ફેક્ટરી ચાલતી હતી, જ્યારે રાજસ્થાનમાં 2 ફેક્ટરીમાંથી 1 ફેક્ટરી શરૂ થવાની હતી. તો બીજી તરફ ડ્રગ્સનું રો-મટીરીયલ વાપીની એક કંપનીમાંથી ગયું હતું. કેમિકલમાં સ્થાનિક લેવલે ઉપયોગ કરવા માટે કોઈ વ્યક્તિના GST નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવું પણ સામે આવ્યું છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે, સામાન્ય રીતે પેસ્ટિસાઈડ્સ બનાવવા માટે ઉપયોગમાં આવતું કેમિકલ 7 અઠવાડિયાની પ્રોસેસ બાદ ક્રિસ્ટલ અને પાવડર ફોર્મમાં MD ડ્રગ્સ બની જતું હતું. આ માટેનું સેટઅપ એટલે કે ફેક્ટરી બનાવવાનો ખર્ચ માત્ર 7 લાખ રૂપિયા થતો હતો. તેમજ ગુજરાત-રાજસ્થાનમાં ડ્રગ્સનો ઉપયોગ કે વેચાણ થવાનું હતું. નાના પાઉચમાં ક્રિસ્ટલ ફોર્મમાં વેચાણ થવાનું હોવાનું પણ સામે આવ્યું છે.
ગુજરાત ATSના DYSP એસ.એલ. ચૌધરીને દોઢ મહિના પહેલા મળેલી બાતમીના આધારે તેઓ મહત્વની કડી શોધી રહ્યા હતા. તેમાં માત્ર ગુજરાત નહીં રાજસ્થાનમાં પણ ડ્રગ્સની રીતસર ફેક્ટરીઓ ચાલતી હોવાની કડી મળી અને આખો આંતરરાજ્ય ડ્રગ્સનો વેપારનો પર્દાફાશ થયો છે. આ સમગ્ર મામલે હવે આગળની તપાસ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને સોંપી દેવામાં આવી છે. ગુજરાતમાં પેસ્ટિસાઈડ્સ માટે ઉપયોગમાં લેવાતા to brumen for propiyofinon સરળતાથી મળી જતું હતું. જે ડ્રગ્સના માફિયાઓને ખબર હતી અને તેઓ કેમિકલ પ્રોસેસ કરીને તેને MD ડ્રગ્સમાં બદલી નાખતા હતા. જેના માટે ફેક્ટરી સેટઅપ 7 લાખ રૂપિયાએ પણ સ્થાનિક બજારમાંથી મળી જતું અને તેને 7 અઠવાડિયામાં MD ડ્રગ્સ બની જતું હતું. જેમાં રાજસ્થાનમાં કેટલુક ડ્રગ્સ આપી પણ દીધું હોવાનું ATSના સૂત્રોએ જણાવ્યું છે.
ગુજરાત-રાજસ્થાનમાંથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ તે સમગ્ર બાબતમાં એક રોચક ઘટનાક્રમ હતો. જેમાં ખાસ કરીને ગાંધીનગરના પીપળજ અને અમરેલી પાસે ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી, પરંતુ આ સમગ્ર કેસ કઈ રીતે ડિટેક્ટ થયો તે અંગે ATSના અધિકારીઓએ જણાવ્યું છે કે, સૌથી પહેલા મનોહરલાલ એનાનીએ વિવિધ જગ્યાએ ડ્રગ્સ સપ્લાય કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. મનોહરલાલ મૂળ અમદાવાદના થલતેજનો રહેવાસી છે અને ડ્રગ્સના અગાઉના કનેક્શનના કારણે ATSને ટીપ મળી હતી. જેને ઇન્ટરસેપ્શન દરમિયાન જાણવા મળ્યું કે, તે વાપીની એક ફેક્ટરીમાંથી કેટલું કેમિકલ મંગાવતો હતો.
બાદમાં તે દિશામાં તપાસ કરતા જાણવા મળ્યું કે, આવું જ કેમિકલ રાજસ્થાન પણ જાય છે અને ત્યાંથી કુલદીપસિંગની કડી મળી હતી. કુલદીપસિંગને આ સમગ્ર મામલે તપાસ કરતા જાણવા મળ્યું કે, જોધપુર ઓશીયા, ગાંધીનગરના પીપળજ અને અમરેલીમાં આ પ્રકારે કેમિકલ મંગાવવામાં આવવાનું હતું અને તે કેમિકલનો ઉપયોગ સામાન્ય રીતે પેસ્ટિસાઈડ્સ બનાવવા માટે થાય છે, પરંતુ તેનાથી MD ડ્રગ્સ પણ બની શકે છે. એટલે અલગ અલગની મદદથી સૌથી પહેલા ગાંધીનગરના પીપળજની ફેક્ટરી સામે આવી હતી. આ ફેક્ટરી એક ખેતરની અંદર ચાલતી હતી અને ત્યાં બે મહિનાથી ભાડે રાખેલા મકાનમાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં સંબંધિતની અટકાયત કરવામાં આવી હતી અને અલગ અલગ કનેક્શન ખુલ્યા હતી. તો બીજી તરફ રાજસ્થાનના ભીનમાલ સિરોહીમાં મનોહરલાલ એનાનીએ ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ શરૂ કર્યું હતું.
હવે અલગ અલગ જગ્યાની 4 ફેક્ટરીઓની ડિટેલ ATS પાસે હતી, પરંતુ ગુજરાત અને રાજસ્થાન બે અલગ અલગ રાજ્યમાં ઓપરેશન કરવાનું હોવાથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેથી એક સાથે 4 જગ્યાએ દરોડા કરતા સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો હતો.મળતી માહિતી અનુસાર ડ્રગ્સનું વેચાણ વિદેશ કે અન્ય રાજ્યમાં નહીં પણ લોકલ ઉપયોગમાં જ થતું હતું.