લોકસભા ચૂંટણીમાં બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. જ્યારે બાકી રાજ્યોમાં ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી સિવાય કોંગ્રેસ પણ પ્રચાર કરી રહીં છે. નોંધનીય છે કે, કોંગ્રેસના નેતાઓના નિવેદનો ઘણીવાર ચર્ચામાં રહેતા હોય છે. પરંતુ અત્યારે તો રાહુલ ગાંધીએ એક ભાષણમાં કરેલી વાત ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. રાહુલ ગાંધી પોતાના ચૂંટણી ભાષણોમાં ભારતીય જનતા પાર્ટી અને મોદી સરકારને ઘેરવાનો પ્રયત્ન કરતા હોય છે, પરંતુ રાહુલ ગાંધી એવું બોલી ગયા છે કે, જેથી તેમના પર રાજપૂત સમાજ નારાજ જોવા મળી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, એક સભાને સંબોધિત કરતા રાહુલ ગાંધી પોતાના વાણી પરનો કાબુ ગુમાવી બેઠા અને રાજપૂત સમાજ વિશે વિવાદિત શબ્દો બોલી દીધા હતા. પોતાના ચૂંટણીલક્ષી ભાષણમાં તેમણે રાજા-મહારાજાઓને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. જેથી રાજપૂત સમાજ ભડકી ગયો છે. અત્યારે રાહુલ ગાંધીના આ નિવેદન બાદ મોટા વિવાદના એંધાણ વર્તાઈ રહ્યા છે.
રાહુલ ગાંધીએ પોતાના ચૂંટણીલક્ષી ભાષણમાં કહ્યું કે, ‘પહેલા દેશમાં રાજા-મહારાજાઓનું રાજ હતું. તેઓ જે મનમાં આવે તેમ કરતા હતા. જો કોઈની જમીનની જરૂર હોય તો તે બળજબરીથી લઈ લેતા હતા.’ તમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને રાજપૂત સમાજમાં ભારે આક્રોશ ફેસાયો છે. આ નિવેદન બાબતે રાજપૂત સમાજનું કહેવું છે કે, ‘શું રાહુલ ગાંધી પહેલાના રાજાઓને તાનાશાહ માને છે? રાજપૂત સમાજના રાજાઓએ હંમેશા પોતાની પ્રજાના હિતમાં કાર્યો કર્યા છે. તેમની રક્ષા માટે પોતાના પ્રાણનું બલિદાન પણ આપ્યું છે. તેવામાં રાહુલ ગાંધીનું આ નિવેદન નિંદનીય છે.’
આ સાથે રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ દેશની જનતા સાથે મળીને ભારત દેશને આઝાદી અપાવી છે. દેશનું સંવિધાન સ્થાપિત કર્યું છે. નોંધનીય છે કે, રાહુલ ગાંધી પોતાના નિવેદનોને લઈને અનેકવાર વિવાદમાં આવતા હોય છે. અત્યારના આ નિવેદનને લઈને રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમને જણાવી દઈએ કે, રાહુલ ગાંધી ઘણીવાર પોતાના ભાષણોમાં વિવાદિત વાતો કરતા હોય છે. થોડા સમાય પહેલા જ તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના ભાષણમાં તુંકારા સાથે સંબોધિત કર્યા હતા. જેથી તેઓ વિવાદનું કારણ બન્યા હતા.