લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. ત્યારે રાજ્યની તમામ 26 બેઠકો પર 7 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે. એ પહેલા હવે રાજકોટના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાદની ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે. જણાવી દઈએ કે ભાજપ તરફથી પરષોતમ રૂપાલા ચૂંટણી લડી રહ્યા છે અને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી છે.
પરષોતમ રૂપાલા અને પરેશ ધાનાણીની ચૂંટણી પંચે નોટિસ આપી છે. ચૂંટણી પંચે બંને ઉમેદવારો પાસેથી ચૂંટણી ખર્ચની વિગતો માંગી હતી. બંને ઉમેદવારોએ ચૂંટણી ખર્ચનો હિસાબ સમયસર રજૂ ન કરતા ચૂંટણી પંચે તેમને નોટિસ ફટકારી છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ કરવા માટે સમયની માંગ કરી હતી.
લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. પરષોતમ રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ ચાલી રહ્યો છે ત્યારે અગાઉ જસદણમાં પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની ફરી માફી માગી હતી અને કહ્યું હતું કે મારા લીધે મોદી સાહેબ સામે ક્ષત્રીય ઉભો થાય તે યોગ્ય નહીં. મારી ભૂલ હતી, મેં માફી માંગી છે. ચૂંટણીમાં હાર-જીતની આ વાત નથી. સમાજજીવનના તાણાવાણાને સ્પર્શતો આ વિષય છે. સમજણનો નવો સેતુ બાંધવાનો આ પ્રયાસ છે. ક્ષત્રિય સમાજ આ વિષયને રાજકારણથી દૂર રાખે એવી વિનંતી.
ત્યારે સોમવારે રાજકોટમાં કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણીએ મરછા નગર વિસ્તારમાં આયોજીત કોંગ્રેસની સભામાં બેફામ નિવેદન બાજી કરી હતી. પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, પટેલ અને બાપુ બંને હરખપડુદા છે. 1995 થી ભ્રષ્ટ્રાચાર નાબુદ કરવા આપણે ભાજપનું બી વાવ્યું. અમે પટેલીયા અને બાપુઓ હરખપદુડા થઈ દરરોજ ભાજપને 10 ડોલ પાણી પાયું. વર્ષ 2015 માં અમને ખ્યાલ આવ્યો હતો કે પીઠ તૂટી ગઈ છે. બધા સમાજનો વારો આવી ગયો બાપુ બચ્યા હતા હવે એ ઝપટે ચડ્યા છે.
રાજકોટ લોકસભા બેઠક પર ભાજપ તરફથી પરષોતમ રૂપાલા ચૂંટણી લડી રહ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસે તેમના જ ગામના પરેશ ધાનાણીની ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. ત્યારે સૌરાષ્ટ્રની રાજકોટની બેઠક પરનો જંગ રસપ્રદ બની ગયો છે. પરષોતમ રૂપાલાની સામે કોંગ્રેસના યુવા નેતા અને પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી મેદાનમાં ઉતર્યા છે. હાલમાં એક તરફ પરષોતમ રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ ચાલી રહ્યો છે ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે આ ક્ષત્રિયોના આંદોલન-વિરોધનો ફાયદો પરેશ ધાનાણીને થશે. ભાજપના ઉમેદવાર પરષોતમ રૂપાલા કડવા પાટીદાર છે, જયારે પરેશ ધાનાણી લેઉઆ પાટીદાર છે. ત્યારે પાટીદારના વોટ કડવા-લેઉવામાં વહેંચાઇ જવાની શક્યતાઓ દેખાઈ રહી છે. રાજકોટ લોકસભા બેઠકમાં સાડા ત્રણ લાખ લેઉઆ પાટીદાર મતદારો, બે લાખથી ઓછા કડવા પાટીદારો અને અન્ય મતદારોની સંખ્યા ચાર લાખ છે.