લોકસભા ચૂંટણીમાં બે તબક્કાના મતદાન બાદ હવે ત્રીજા તબક્કાનું મતદાન 7મેના રોજ યોજાવાનું છે ત્યારે આ તાબક્કામાં ગુજરાતની બેઠકો પર મતદાન થશે.જેને ધ્યાનમાં રાખીને ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ(Congress) ગુજરાતભરમાં પ્રચાર કરવામાં વ્યસ્ત છે.આ ક્રમમાં જ કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રિયંકા ગાંધી ફરી એકવાર ગુજરાતમાં આવ્યા છે અને તેમણે આ વખતે બનાસકાંઠામાં (Banaskantha) ન્યાય સંકલ્પ સભાને સંબોધી હતી
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે વિશ્વના મહાન વ્યક્તિત્વ એવા મહાત્મા ગાંધીજીનો જન્મ ગુજરાતની ધરતીમાં થયો હતો. સરદાર પટેલ, વીર રણછોડ રબારી સહિત અનેક મહાપુરુષોનો જન્મ અહીં થયો હતો. દેશના અનેક મહાપુરુષોએ આઝાદી માટે અંગ્રેજ સરકાર સામે લડત આપી હતી. દેશને આઝાદ કર્યો અને બંધારણ આપ્યું. તેથી આપણે બધાએ બંધારણનું મહત્વ સમજવું પડશે. પ્રિયંકા ગાંધીએ પેપર લીક મુદ્દે વાત કરતા કહ્યું કે ‘સમગ્ર દેશમાં પેપર લીક થાય છે. ભાજપની સરકારમાં 10 વર્ષમાં 14 વખત પેપર લીક થયા. કેન્દ્ર સરકારમાં 30 લાખ નોકરી ખાલી છે. આઉટ સોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પર રોજગાર આપવામાં આવે છે. ભરતીની પરીક્ષા બાદ પણ યુવાનો નોકરીની રાહ જોઈ રહ્યા છે. ગુજરાતમાં ખાનગી યુનિવર્સિટી ખુલી રહી છે જેનાથી મોંધી ફી ભરવી પડી છે.’ આ ઉપરાંત ખેડૂતો માટે વાત કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે ‘એમએસપીને લઈને કાયદો બનશે, ખેતીના તમામ સમાનોમાંથી જીએસટી હટાવીશું, પાક નુકસાનથી 30 દિવસથી વળતર મળશે.’
પ્રિયંકા ગાંધીએ રેલીને સંબોધતાં કહ્યું કે ભાજપે તેના 10 વર્ષના શાસનમાં લોકોના અધિકારો ઘટાડી દીધા છે. લોકો હવે ભાજપ સરકારથી કંટાળી ગયા છે. મોંઘવારીથી દરેક વ્યક્તિ પરેશાન છે. ખેડૂતો પણ તકલીફ વેઠી રહ્યા છે. જે લોકો અવાજ ઊઠાવે છે તેમના અવાજ દબાવી દેવામાં આવે છે. જ્યાં પણ મહિલાઓ પર અત્યાચાર થયો ત્યાં આ લોકોની જ સરકાર હતી. ભાજપની સરકારે ક્યારેય પીડિતોની મદદ ના કરી. ખેડૂતો-મજૂરો સાથે અન્યાય થયો. દેશ માટે મેડલ જીતનારા ખેલાડીઓએ પણ માર્ગો પર ઉતરીને જાતીય શોષણના વિરોધમાં દેખાવો કરવા પડ્યાં. પ્રિયંકા ગાંધીએ સંબોધતાં કહ્યું કે આજના વડાપ્રધાનની કાર્યશૈલી જુઓ. ગુજરાતે PM મોદીને સન્માન અને સ્વાભિમાન આપ્યું છે અને સત્તા આપી છે, પરંતુ તેઓ માત્ર મોટા-મોટા લોકો સાથે જ જોવા મળે છે. શું તમે પીએમ મોદીને કોઈ ખેડૂતને મળતા જોયા છે? ખેડૂતો કાળા કાયદાનો વિરોધ કરી રહ્યા છે. સેંકડો ખેડૂતો શહીદ થાય છે, પરંતુ વડાપ્રધાન તેમને મળવા પણ જતા નથી. પછી જેવી ચૂંટણી આવે છે અને તેમને લાગ્યું કે અમને વોટ નહીં મળે તો પીએમ મોદીએ કાયદો બદલી નાખ્યો.