લોકસભા ચૂંટણીમાં પ્રચારનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે ત્યારે દરેક બેઠક પર પ્રચારમાં તેજી જોવા મળી રહી છે. રાજ્યની પ્રતિષ્ઠીત ગણાતી પોરબંદર લોકસભા બેઠક પર ભાજપ તરફથી કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા ચૂંટણી લડી રહ્યા છે ત્યારે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેતપુર (Jetpur) માં ચૂંટણી પ્રચારમાં જાણીતી ટીવી અભિનેત્રી રુપાલી ગાંગુલી પણ મનસુખ માંડવિયાના પ્રચારમાં જોડાઇ હતી. રુપાલી ગાંગુલીના ફેન્સ રોડ શોમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
ઉલ્લેખનિય છે કે અનુપમા ફેઇમ રુપાલી ગાંગલી તાજેતરમાં જ ભાજપમાં જોડાઇ હતી. તેમણે દેશને વિકાસના પંથે લઇ જવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સહયોગ આપવા ભાજપમાં જોડાઇ હોવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ તેઓ વિવિધ લોકસભા બેઠકો પર જઇને ભાજપનો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેમણે પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ માંડવીયાના સમર્થનમાં પ્રચાર માટે જેતપુર ખાતે રોડ શો કર્યો હતો.
અનુપમા સિરીયલ ઘેર ઘેર લોકપ્રિય બની છે અને રુપાલી ગાંગુલી આ સિરીયલ થકી મહિલાઓમાં વધુ લોકપ્રિય છે ત્યારે જેતપુરમાં યોજાયેલા રોડ શોમાં રુપાલી ગાંગુલીના ફેન્સ તેમને નિહાળવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રુપાલી ગાંગુલીએ મનસુખ માંડવિયાને મત આપવા રોડ શો દરમિયાન મતદારોને અપીલ કરી હતી.
લોકસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થવાને લઈને હવે બે દિવસ જેટલો સમય બાકી છે ત્યારે ચૂંટણી પ્રચારમાં પણ તેજી આવી રહી છે. તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલ ટેલિવિઝનના પડદાની અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ જેતપુરમાં રોડ શો કર્યો હતો. જેતપુરમાં જુનાગઢ રોડ ઉપરથી રોડ શો ચાલુ થયો હતો અને ત્યાર બાદ વિવિધ માર્ગો પર ફરી તીનબતી ચોક ખાતે પૂરો થયો હતો.