દેશમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણી વચ્ચે સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. પરંતુ બીજી તરફ લઘુત્તમ નિકાસ કિંમત (MEP) પ્રતિ ટન $550 નક્કી કરી છે. આ સિવાય સરકારે ડુંગળીની નિકાસ પર 40 ટકા એક્સપોર્ટ ડ્યૂટી પણ લગાવી છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ એક સૂચનામાં જણાવ્યું હતું કે, “ડુંગળીની નિકાસ નીતિમાં સુધારા કરી તાત્કાલિક અસરથી, અને બીજો આદેશ ન આવે ત્યાં સુધી $550 પ્રતિ ટનની MEP હેઠળ પ્રતિબંધથી મુક્ત કરવામાં આવી છે. આ સાથે ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યુટી નક્કી કરવામાં આવી છે. ગયા વર્ષે ઓગસ્ટમાં, ભારત સરકારે 31 ડિસેમ્બર, 2023 સુધી ડુંગળી પર 40 ટકા નિકાસ જકાત લાદી હતી.
સરકારે 8 ડિસેમ્બર, 2023 ના રોજ ડુંગળીની નિકાસ પર 31 માર્ચ, 2024 સુધી પ્રતિબંધ મૂક્યો હતો. માર્ચમાં નિકાસ પ્રતિબંધને લંબાવવામાં આવ્યો હતો. માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં 34.31 લાખ ટન, કર્ણાટકમાં 9.95 લાખ ટન, આંધ્રપ્રદેશમાં 3.54 લાખ ટન અને રાજસ્થાનમાં 3.12 લાખ ટન ઉત્પાદન ઘટ્યું છે. મહારાષ્ટ્રના ખેડૂતોએ નિકાસ પ્રતિબંધનો વિરોધ કર્યો હતો. ગયા મહિને કોંગ્રેસે નરેન્દ્ર મોદી સરકાર પર ડુંગળીની નિકાસ પર પ્રતિબંધને કારણે મહારાષ્ટ્રના ખેડૂતોની અવગણના કરવાનો આરોપ લગાવ્યો હતો.
સરકારે 31 માર્ચ, 2025 સુધી સ્વદેશી ચણાની આયાત ડ્યૂટી મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત, 31 ઓક્ટોબર, 2024 ના રોજ અથવા તે પહેલાં જારી કરાયેલા ‘બિલ ઑફ એન્ટ્રી’ દ્વારા પીળા વટાણાની આયાત પરની ડ્યુટી મુક્તિમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ‘બિલ ઑફ એન્ટ્રી’ એ એક કાનૂની દસ્તાવેજ છે જે આયાતકારો અથવા કસ્ટમ ક્લિયરન્સ એજન્ટ દ્વારા આયાતી માલના આગમન પર અથવા તે પહેલાં ફાઇલ કરવામાં આવે છે. નાણા મંત્રાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે ડુંગળી પર 40 ટકા નિકાસ ડ્યૂટી સહિત તમામ ફેરફારો 4 મેથી લાગુ થશે.