રાજસ્થાનથી એક મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, રાજસ્થાનમાં ફરી એકવાર સોનાનો મોટો ખજાનો મળી આવ્યો છે. આ ખજાનો આવકવેરા વિભાગના અધિકારીઓને JKJ જ્વેલર્સમાં ચાલી રહેલા ઓપરેશન દરમિયાન મળી આવ્યો હતો. શનિવારે પાંચમા દિવસે પણ જ્વેલર્સના ઘરો પર દરોડા ચાલુ છે. આ કાર્યવાહીમાં સૌથી વધુ કાળું નાણું રાજસ્થાનમાં બહાર આવ્યું છે. આ કાર્યવાહીમાં આવકવેરા વિભાગના અધિકારીઓએ JKJ જ્વેલર્સના માલિકોના ઘરેથી અત્યાર સુધીમાં 45 કરોડ રૂપિયાની ગેરકાયદે જ્વેલરી રિકવર કરી છે.
રાજસ્થાનની આ કાર્યવાહીને લઈ આવકવેરા વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર દરોડામાં કાળા નાણાંનો આંકડો ચોંકાવનારો છે. હવે ITના દરોડામાં 600 કરોડથી વધુના કાળા નાણાના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. આ તરફ જ્વેલર્સ દ્વારા બોગસ બિલોથી કમાયેલા કાળા નાણાંનો આંકડો 450 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. JKJ જ્વેલર્સના માલિકોના ઘરેથી અત્યાર સુધીમાં 45 કરોડ રૂપિયાની ગેરકાયદે જ્વેલરી મળી આવી છે. કાર્યવાહીમાં સામેલ અધિકારીઓ પણ ઘરેણાં જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. જ્વેલર્સે કાળા કારોબાર પર નજર રાખવા માટે વિદેશમાં બે સર્વર હાયર કર્યા છે. તેમને તોડવા માટે નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા છે.
આ દરમિયાન જ્વેલર્સ ગ્રુપના શોરૂમમાંથી કાળા નાણાંથી ખરીદેલું 100 કિલો સોનું પણ ઝડપાયું હતું. આ સોનાની કિંમત 70 કરોડ રૂપિયાથી વધુ છે. આ સાથે જ હવાલા બિઝનેસમાંથી 25 કરોડ રૂપિયાથી વધુનું કાળું નાણું પણ જપ્ત કરવામાં આવ્યું છે. કાળા નાણાના કારોબારના દસ્તાવેજોની હજુ તપાસ ચાલી રહી છે. JKJ ગ્રુપ અને જોશી ગ્રુપના કરોડો રૂપિયાના હવાલા બિઝનેસની તપાસ કરવામાં આવી રહી છે. આવકવેરા અધિકારીઓ JKJ જ્વેલર્સ ગ્રુપના માલિકોની પૂછપરછ કરી રહ્યા છે.
ઈન્કમટેક્સ અધિકારીઓના જણાવ્યા અનુસાર જ્વેલર્સ ગ્રૂપ સાથે સંબંધિત ઘણી જગ્યાઓ પર હજુ પણ તપાસ ચાલી રહી છે. આ તરફ હવે તપાસ બાદ વધુ ચોંકાવનારા ખુલાસા સામે આવી શકે છે. આવકવેરા વિભાગની આ કાર્યવાહીથી રાજ્યની સૌથી મોટી કરચોરીનો પર્દાફાશ થઈ શકે છે. આ પહેલીવાર નથી કે રાજસ્થાનમાં આટલી મોટી રકમના કાળા નાણાનો પર્દાફાશ થયો હોય. આ પહેલા પણ આવકવેરા વિભાગની કાર્યવાહીમાં મોટી માત્રામાં સોનું અને રોકડ જપ્ત કરવામાં આવી છે.