દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન ગુજરાતમાં થયું છે. અમદાવાદની 19 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની એક બાદ એક સ્કૂલોને ઇ-મેઈલ દ્વારા ધમકી મળી છે. ધમકીવાળી સ્કૂલો પર પોલીસે જઈ ચેકિંગ હાથ ધર્યું છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે પહોંચી છે. રશિયન સર્વરમાંથી ધમકી આવ્યાનું પ્રાથમિક અનુમાન છે. દિલ્હીની માફક એક પછી એક સ્કૂલમાં ઇ-મેઇલ આવી રહ્યા છે. અમદાવાદનું પોલીસતંત્ર સાબદું થયું છે. દિલ્હીમાં અનેક સ્કૂલોને ધમકી મળ્યા પછી ધમકી પોકળ પુરવાર થઈ હતી. મતદાનના આગલા દિવસે જ અમદાવાદની 19 સ્કૂલને ધમકીભર્યો ઇ-મેઈલ મળતા તંત્ર કામે લાગી ગયું છે. બોમ્બથી ઉડાવવાની ધમકી હિન્દી ભાષામાં મળી છે, જે મેસેજ ઇંગ્લિશ લિપિમાં મળ્યા છે. એક બાદ એક સ્કૂલ ઉમેરાતી જાય છે. તમામ સ્કૂલોને સવારના 6 વાગ્યા એક જ પ્રકારના ઇ-મેઈલ મોકલવામાં આવ્યા છે. અમદાવાદની સ્કૂલોને મળેલા ઇ-મેઈલનું કન્ટેન્ટ દિલ્હીમાં મળેલા ઇ-મેઈલ જેવું જ છે.
આ ઇ-મેઈલ તૌહીદ વોરીઓરના નામથી કરવામાં આવ્યો છે, સવારે 7 વાગ્યા પછી એક પછી એક સ્કૂલને મેસેજ મળવા લાગ્યા હતા. બોમ્બની ધમકી ભર્યા ઇ-મેઈલના લખાણ મુજબ…. ઇસ્તીશાદી આખા શહેરમાં ફેલાઈ ગઈ છે અને હુમલો કરવા તૈયાર છે. તૌહીદના યોદ્ધાઓ પ્રતિકાર કરનારા તમામ લોકોને મારી નાખશે. અમારો ધ્યેય ગુજરાતમાં શરિયા કાયદો સ્થાપિત કરવાનો છે. અમારા શરણે થાવ અથવા અમારા દ્વેષથી મરી જાઓ. અમે તમારા જીવનને લોહિયાળ નદીઓમાં ફેરવીશું નાખશું.
અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, સ્કૂલોની અજાણ્યા ઇ-મેઈલ પરથી ધમકી મળી હતી. જે બાદ સ્કૂલ દ્વારા DEO કચેરી અને નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે. પોલીસે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ સાથે રાખીને તપાસ હાથ ધરી હતી, પરંતુ કોઈ બોમ્બ મળ્યા નથી. બોમ્બ હોવાની વાત અફવા હોવાનું લાગી રહ્યું છે, પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં.આવી રહી છે.