જૂનાગઢ નરસિંહ મહેતા તળાવના બ્યૂટીફિકેશનનું કામ છેલ્લા ઘણા સમયથી શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ અત્યારસુધી નરસિંહ મહેતા સરોવર બ્યૂટિફિકેશનનું કામ ગોકળગતિએ ચાલતાં જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. એમાં તેમણે જણાવ્યું છે કે નરસિંહ મહેતા તળાવની કામગીરી એક મહિનામાં પૂર્ણ નહીં થાય તો ગત વર્ષ જેવું થશે. ગોકળગાયની ગતિએ ચાલી રહેલું તળાવનું નવીનીકરણનું કામ કૃત્રિમ પૂર હોનારત ઊભી કરે એ પહેલાં પ્રી-એક્શન પ્લાન તૈયાર થવો જોઈએ. આમ જણાવી મનપાના અધિકારી અને કોન્ટ્રેક્ટરની બેદરકરીના આક્ષેપ કર્યા છે.
‘બેદરકારીથી ગયા વર્ષે લોકોને મુશ્કેલી વેઠવી પડી’
ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ પત્રમાં લખ્યું છે કે જૂનાગઢ શહેરમાં હાલ મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલા શહેરના મધ્યમાં આવેલા નરસિંહ મહેતા તળાવના નવીનીકરણની કામગીરી ગોકળગાયની ગતિથી ચાલી રહી છે. ગત વર્ષે શહેરમાં આ કામગીરીમાં કોન્ટ્રેક્ટર અને અધિકારીઓની બેદરકારીને કારણે વરસાદના પાણી રહેણાક વિસ્તારોમાં ઘૂસ્યાં હતાં અને કુત્રિમ પૂર હોનારતની પરિસ્થિતી ઊભી થઈ હતી. એને કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
ધારાસભ્યએ વધુમાં લખ્યું છે કે ચાલુ વર્ષે આ બાબતનું પુનરાવર્તન ના થાય એ બાબતની તકેદારી કે કોઈ પ્રી-પ્લાનિંગ મહાનગરપાલિકા દ્વારા કે કોન્ટ્રેકટર દ્વારા કરવામાં આવ્યું નથી. જળસંગ્રહ એ પાણીની સમસ્યા હલ કરવા માટે ઝાંઝરડા રોડ જોષીપરા તેમજ આસપાસની સોસાયટીઓમાં મુખ્ય જરૂરત હોઈ, જે બાબતને ધ્યાનમાં લઈ આ કામગીરી મોન્સૂન પહેલાં પૂર્ણ થવી જોઈએ. હાલ કામની મુદત પણ પૂર્ણ થયેલી છે, પરંતુ કામ પૂર્ણ થયું નથી.