હાલ બેરોજગારીના ખુબજ ચોકાવનારા આંકડા સામે આવ્યા છે. દેશના શહેરી વિસ્તારોમાં 15 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં બેરોજગારીનો દર ઘટ્યો છે. સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન મિનિસ્ટ્રી દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર જાન્યુઆરીથી માર્ચના ત્રણ મહિના દરમિયાન શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર 6.7 ટકા હતો. એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં તે 6.8% હતો. 22મા સામયિક લેબર ફોર્સ સર્વેના ડેટા દર્શાવે છે કે, શહેરી વિસ્તારોમાં 15 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓમાં બેરોજગારીનો દર એક વર્ષ અગાઉ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં 9.2%થી ઘટીને 8.5% થયો છે. એપ્રિલ-જૂન 2023માં તે 9.19% અને જુલાઈ-સપ્ટેમ્બર 2023માં 8.6% હતો. ઓક્ટોબર-ડિસેમ્બર 2023માં તે 8.6% હતો.
આ સર્વે અનુસાર આ વર્ષે જાન્યુઆરી માર્ચ દરમિયાન શહેરી વિસ્તારોમાં 15 વર્ષથી વધુ ઉંમરના પુરુષોમાં બેરોજગારીનો દર વધ્યો છે. છેલ્લા ક્વાર્ટરમાં તે વધીને 6.1% થયો, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં 6% હતો. ગયા વર્ષે એપ્રિલ-જૂન દરમિયાન તે 5.9%, જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન 6% અને ઓક્ટોબર-ડિસેમ્બર દરમિયાન 5.8% હતો. કેન્દ્ર સરકારના આ મંત્રાલયના આંકડા દર્શાવે છે કે, ગયા વર્ષે એપ્રિલ-જૂન અને જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન શહેરી વિસ્તારોમાં એકંદરે બેરોજગારીનો દર ઘટ્યો છે. અગાઉ તે 6.6% હતો અને ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ઘટીને 6.5% પર આવી ગયો છે.
લેબર ફોર્સમાં બેરોજગાર લોકોની ટકાવારીને બેરોજગારી દર કહેવામાં આવે છે. વસ્તીનો તે ભાગ જે આર્થિક પ્રવૃત્તિઓમાં ફાળો આપવા માટે કામ કરે છે અથવા કામ કરવા માટે તૈયાર છે તેને લેબર ફોર્સ કહેવામાં આવે છે. લેબર ફોર્સમાં નોકરીયાત અને બેરોજગાર બંનેનો સમાવેશ થાય છે.
વર્તમાન સાપ્તાહિક સ્થિતિમાં શહેરી વિસ્તારોમાં 15 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં લેબર ફોર્સની સહભાગિતા દર જાન્યુઆરી-માર્ચ દરમિયાન વધીને 50.2 થયો છે જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં 48.5 હતો.
અર્થશાસ્ત્રમાં બેરોજગારીનો અર્થ એ છે કે જેઓ કામ કરવા તૈયાર છે પરંતુ કામ નથી મળતું. બેરોજગારીના ઘણા પ્રકાર છે. એમાનું એક સંપૂર્ણપણે બેરોજગાર છે જેમને કોઈ રોજગાર નથી મળી રહ્યો. એક છે અન્ડર-એમ્પ્લોય્ડ જેમને તેમની લાયકાત કે કૌશલ્ય પ્રમાણે કામ નથી મળતું. ઉદાહરણ તરીકે જો કોઈ એક વ્યક્તિ સ્નાતક છે અને મજૂર તરીકે કામ કરે છે તો તે અર્ધ-બેરોજગાર કહેવાશે. કારણ કે તેમને તેમની લાયકાત મુજબ કામ નથી મળતું. નોકરી શોધી રહેલા લોકો પરામર્શ અને માર્ગદર્શન ન મેળવવાથી ઘણી વાર માહિતીના અભાવે પણ બેરોજગાર રહેતા હોય છે.