વડોદરા શહેરમાં સ્માર્ટ મીટર સામેના સ્વયંભૂ વિરોધ જુદા જુદા વિસ્તારોમાં ઝડપભેર વઘી રહ્યો છે. આજે સમા વિસ્તારના રહેવાસીઓનો મોરચો સ્માર્ટ મીટરના વિરોધમાં જીઈબીની સમા વિસ્તારની કચેરી ખાતે પહોંચ્યો હતો. લોકોએ જીઈબીની કચેરી માથે લીધી હતી અને ભારે હોબાળો મચાવીને રામધૂન બોલાવી હતી તેમજ એમજીવીસીએલ તથા સરકારના હાય…હાયના નારા બોલાવ્યા હતા.
આ બાબતે સ્થાનિક રહીશોએ જાણકારી આપી કે, પહેલા અમારે સાદુ મીટર હતું. જેનું બે મહિનાનું બિલ ચાર હજાર આવવા પામ્યું હતું. અમે તે ભરી દીધું. હજું 20 દિવસ થયા છે. અમે સાડા ચાર હજારનું બેલેન્સ કરાવ્યું હતું. અત્યારે હાલ અમારૂ રિચાર્જ માઈનસમાં છે. ત્યારે હજુ બિલ ભારે 20 દિવસ થયા છે. બે મહિનાનું ચાર હજાર બિદ આવતું હોય તો 20 દિવસમાં સાડા ચાર હજાર કેવી રીતે બિલ આવે. અમને અમારી એક જ માંગણી છે કે અમને જૂના મીટર પાછા લગાવી આપો.
ગત રોજ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી
વડોદરામાં સ્માર્ટ મીટરની બબાલ છેલ્લા બે દિવસથી ચાલી રહી છે.. MGVCL દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરને હટાવવા માંગ થઈ રહી છે. એકદિવસ પહેલા શહેરના અલકાપુરી, અટલાદરા અને ફતેગંજ વિસ્તારના લોકોએ MGVCLની કચેરીઓ હોબાળો મચાવી મીટર પરત ખેંચવાની માંગ કરી હતી. જે બાદ ગતરોજ પણ કેટલાક લોકોએ MGVCL ની ઓફિસ પહોંચ્યા હતા. પરંતુ તેમની એકપણ વાત ન સાંભળવામાં આવી નથી. જેથી મોટી સંખ્યામાં લોકો કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા. અને હોબાળો મચાવ્યો હતો. જે બાદ કલેક્ટરે તેમની રજૂઆત સાંભળી આવેદન સ્વીકાર્યું હતું.
ટોળામાં હાજર ઘણા લોકોએ પોતાનુ બિલ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વધારે આવ્યુ હોવાની ફરિયાદો કરી હતી. લોકોએ વીજ કચેરીમાં ડેપ્યુટી એન્જિનિયરને કહ્યું હતું કે, ત્રણ દિવસમાં તમારા સ્માર્ટ મીટરો કાઢીને જૂના નાંખી જાવ, નહીંતર અમે ફરી આંદોલન કરીશું.અન્ય એક રહેવાસીએ કહ્યું હતું કે, મારૂ બે મહિનાનુ બિલ 1274 રૂપિયા આવ્યુ હતુ. 29 એપ્રિલે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ અત્યાર સુધીનું બિલ 1300 રૂપિયા આવી ગયુ છે. મારૂ કનેક્શન કપાયુ તો મારે ફરી રિચાર્જ કરવું પડયું છે.
લોકોને લૂંટવા માટે સ્માર્ટ મીટર લગાવ્યાના આક્ષેપો.
એક મહિલાએ કહ્યું હતું કે, મારા 3500 રૂપિયા જમા બોલતા હતા. સ્માર્ટ મીટર લગાવ્યા બાદ જોત જોતામાં 2700 રૂપિયા કપાઈ ગયા હતા. અમને કશી ખબર પડતી નથી. અમારી પાસે તો સ્માર્ટ ફોન પણ નથી.અન્ય એક રહેવાસીએ જણાવ્યું હતું કે, મારૂ બે મહિનાનુ બિલ 2500 રૂપિયા જેટલુ આવતું હતું અને સ્માર્ટ મીટર લાગી ગયા બાદ 20 દિવસમાં જ 2200 રૂપિયા કપાઈ ગયા છે..આવુ કેવી રીતે શક્ય બને તે સમજાતુ નથી..
એક સ્થાનિક આગેવાને આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, ગરીબ અને મિડલ ક્લાસને સ્માર્ટ મીટરની કોઈ જાણકારી નથી..સ્માર્ટ મીટર લગાવવા હોય તો ઉદ્યોગપતિઓના ઘરે લગાવો…સરકાર જો વીજ મીટરો લગાવવા માટે બળજબરી કરશે તો અમે ગાંધીનગર સુધી પણ આંદોલન કરીશું, જનતા આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપને ઘરે બેસાડશે.
દરમિયાન વીજ કંપનીના અધિકારીએ પણ સ્વીકાર્યુ હતું કે, લોકોમાં સ્માર્ટ મીટર લગાવતા પહેલા બહોળો પ્રચાર કરવાની જરૂર છે અને અમે લોકોને કહ્યું છે કે, તમને કોઈ સમસ્યા હોય તો અરજી આપો. અમે લોકોના ઘરે ચેક મીટર બેસાડવા માટે તૈયાર છે અને તેમને વીજ બિલની ગણતરી સમજાવવા માટે પણ તૈયાર છે. સ્માર્ટ મીટરો પાછા લેવાની લોકોની જે લાગણી છે તે હું ઉપરી અધિકારીઓ સુધી પહોંચાડીશ.