MDH And Everest Masala News: સિંગાપોર અને હોંગકોંગ બાદ હવે નેપાળે પણ બે ભારતીય મસાલા બ્રાન્ડ એવરેસ્ટ અને MDHના વેચાણ, વપરાશ અને આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. નેપાળના ફૂડ ટેક્નોલોજી એન્ડ ક્વૉલિટી કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટ દ્વારા આ મસાલામાં જંતુનાશક ઇથિલિન ઓક્સાઇડ હોવાની આશંકા વચ્ચે આ નિર્ણય લીધો છે. આ મસાલામાં ઇથિલિન ઓક્સાઇડની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી હતી.
શું કહ્યું નેપાળે?
નેપાળના ફૂડ ટેક્નોલોજી જણાવ્યું કે, એવરેસ્ટ અને MDH બ્રાન્ડના મસાલાની આયાત પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અમે બજારમાં આ મસાલાના વેચાણ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ મસાલામાં હાનિકારક કેમિકલ હોવાના સમાચાર મળ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. આ બંને બ્રાન્ડના મસાલામાં ખતરનાક કેમિકલની તપાસ ચાલી રહી છે. તેનો તપાસ રિપોર્ટ આવે ત્યાં સુધી પ્રતિબંધ ચાલુ રહેશે.
નોંધનિય છે કે, MDH અને એવરેસ્ટના નામ દાયકાઓથી ઘર-પરિવારનું નામ બની ગયા છે. આ બ્રાન્ડ્સના મસાલા મધ્ય પૂર્વ સહિત વિશ્વના ઘણા દેશોમાં નિકાસ કરવામાં આવે છે. MDH અને એવરેસ્ટ મસાલાની તપાસ બ્રિટન, ન્યુઝીલેન્ડ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ શરૂ થઈ શકે છે. કડક પગલાં લેતા બ્રિટનની ફૂડ સેફ્ટી એજન્સી (FSA) એ કહ્યું છે કે, તે ભારતમાંથી આવતા તમામ મસાલા પર ઝેરી જંતુનાશકોનું પરીક્ષણ કડક કરી રહ્યું છે જેમાં ઇથિલિન ઓક્સાઈડ પણ સામેલ છે.
સિંગાપોર અને હોંગકોંગે પણ મૂક્યો હતો પ્રતિબંધ
હોંગકોંગ બાદ સિંગાપોરની ફૂડ એજન્સી (SFA) એ પણ એવરેસ્ટની ફિશ કરી મસાલા પર હાલ માટે પ્રતિબંધ મૂક્યો હતો. સિંગાપોરે એવરેસ્ટની ફિશ કરી મસાલાનો ઓર્ડર પરત કર્યો હતો. એવો દાવો કરવામાં આવે છે કે માછલીની કરી મસાલામાં ઇથિલિન ઓક્સાઈડ નિર્ધારિત માત્રા કરતાં ઘણું વધારે છે. એજન્સીનું કહેવું છે કે, હાલમાં ઓછી માત્રામાં ઇથિલિન ઓક્સાઈડથી કોઈ ખતરો નથી પરંતુ લાંબા ગાળાના સેવનથી કેન્સરનું જોખમ વધી જાય છે.
શું છે આ ઇથિલિન ઓક્સાઇડ ?
ઇથિલિન ઓક્સાઇડ એ રંગહીન ગેસ છે. રૂમ ટેમ્પરેચરમાં રખાતા તેમાંથી એક મીઠી ગંધ આવે છે. નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ (NCI) અનુસાર, આ ગેસનો ઉપયોગ ઇથિલિન ગ્લાયકોલ (એન્ટિ-ફ્રીઝ) જેવા રસાયણો બનાવવા માટે થાય છે. આ ઉપરાંત તેનો ઉપયોગ કાપડ, ડીટરજન્ટ, ફોમ, દવાઓ, એડહેસિવ અને સોલવન્ટ બનાવવામાં પણ થાય છે.
કેટલું જોખમી છે?
ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (IARC) એ ઇથિલિન ઓક્સાઇડને ‘ગ્રુપ-1 કાર્સિનોજેન’ની શ્રેણીમાં મૂક્યું છે. આનો અર્થ એ છે કે પુરતા પુરાવા છે કે, તે મનુષ્યમાં કેન્સરનું કારણ બની શકે છે. જે લોકો સતત આ રસાયણના સંપર્કમાં આવે છે અથવા તેનું સેવન કરે છે તેઓ આંખો, ત્વચા, નાક, ગળા અને ફેફસામાં બળતરા પેદા કરી શકે છે. તે મગજ અને નર્વસ સિસ્ટમને પણ નુકસાન પહોંચાડી શકે છે. યુએસ એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન એજન્સી (ઇપીએ) અનુસાર ઇથિલિન ઓક્સાઇડના સંપર્કમાં આવવાથી મહિલાઓમાં લિમ્ફોઇડ કેન્સર અને સ્તન કેન્સરનું જોખમ વધે છે. જોકે તેનો પ્રસંગોપાત અથવા ખૂબ ઓછી માત્રામાં વપરાશ ખતરનાક માનવામાં આવતો નથી. તેથી જ તેનો ઉપયોગ મસાલામાં થાય છે. મસાલા ઉપરાંત તેનો ઉપયોગ અન્ય ઘણી ખાદ્ય વસ્તુઓમાં થાય છે.