આ દરમિયાન અભિનેતાએ જણાવ્યું કે તે ઘર છોડીને દુનિયાદારી છોડીને ધાર્મિક યાત્રા નીકળી ગયો હતો. દરમિયાન, તે ઘણા દિવસો સુધી અમૃતસર, પછી લુધિયાણા અને અન્ય ઘણા શહેરોમાં ગુરુદ્વારામાં રોકાયા. પછી તેને સમજાયું કે તેણે ઘરે પાછા ફરવું જોઈએ. તેથી તે ઘરે પાછો આવ્યો.જણાવી દઈએ કે 22 એપ્રિલના રોજ ગુરુચરણ સિંહ મુંબઈ જવા માટે ઘરેથી નીકળ્યો હતો. પરંતુ 26 એપ્રિલે તેના લાપતા થવાના સમાચાર સામે આવ્યા. પિતાએ તેના પુત્ર લાપતા હોવા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ગુરુચરણ 24 એપ્રિલ સુધી દિલ્હીમાં હાજર હતો. આ પછી તેનો મોબાઈલ સ્વીચ ઓફ થયો. એવું પણ જાણવા મળ્યું કે જલ્દી જ તેના લગ્ન થવાના હતા. આ દરમિયાન તે આર્થિક સંકટમાંથી પણ પસાર થઈ રહ્યો હતો.
તપાસ દરમિયાન પોલીસને ગુરુચરણને લઈને ઘણી કડીઓ મળી. જ્યારે ગુરુચરણ 22 એપ્રિલે ઘરેથી મુંબઈ જવા નીકળ્યો ત્યારે તે મુંબઈ પહોંચ્યો જ નહતો. મુંબઈમાં તેને રિસીવ કરવા આવેલા વ્યક્તિને પણ ગેરમાર્ગે દોર્યો. ત્યારબાદ ગુરુચરણે ATMમાંથી 14 હજાર રૂપિયા ઉપાડ્યા, એ સમાચાર પણ સામે આવ્યા હતા.પોલીસને તપાસ દરમિયાન ગુરુચરણના દસથી વધુ એકાઉન્ટ મળી આવ્યા હતા. એટલું જ નહીં તેની પાસે એકથી વધુ જીમેલ એકાઉન્ટ હોવાનું પણ જાણવા મળ્યું હતું. નજીકના લોકો અને ડિજિટલ તપાસ બાદ પોલીસને જે હકીકતો મળી તે પરથી જાણવા મળ્યું કે ગુરુચરણનો ધર્મ તરફનો ઝુકાવ વધી રહ્યો હતો. તેણે એક ખાસ મિત્ર સામે પહાડો પર જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. છેલ્લા સીસીટીવી ફૂટેજમાં પગપાળા જતો જોવા મળ્યો હતો.
ગુરચરણ સિંહના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે લોકપ્રિય ટીવી સીરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવતો જોવા મળ્યો છે. તે 2008-2013 સુધી આ શોનો ભાગ હતો. આ પછી તેણે શોને અલવિદા કહી દીધું હતું.એવી વાત પણ સામે આવી હતી કે ગુરુચરણનો શોના મેકર અસિત કુમાર મોદી સાથે વિવાદ થયો હતો. જે બાદ તેણે શોમાંથી દૂર થવાનો નિર્ણય લીધો હતો. તેની જબરદસ્ત લોકપ્રિયતાને કારણે તેને શોમાં પાછો બોલાવવામાં આવ્યો હતો. પરંતુ 2020 માં, ગુરુચરણે તેના પિતાની સંભાળ લેવા માટે ફરીથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છોડી દીધી. આ પછી તે કોઈ ટીવી શોમાં જોવા મળ્યો નહોતો. તેણે પોતાની જાતને સ્ક્રીનથી સંપૂર્ણપણે દૂર કરી લીધી છે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સોઢી ઉર્ફે ગુરુચરણ સિંહ ઘરે પાછા આવી ગયા છે. 25 દિવસથી તે લાપતા હતા. તેના પિતાએ દિલ્હી પોલીસમાં ગુમ થવાની FIR નોંધાવી હતી. ઘણા દિવસો સુધી ગાયબ રહ્યા બાદ ગુરુચરણ જાતે જ ઘરે પરત ફર્યા છે. પરત ફરતાં પોલીસે ગુરુચરણની પૂછપરછ કરી.