લોકસભા ચૂંટણીના મતદાનની ટકાવારીને લઈ સૌથી મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને પૂછ્યું કે, મતદાનની ટકાવારી અપલોડ કરવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે ? વાસ્તવમાં સંગઠન એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ વોટિંગ ટકાવારી અપલોડ કરવામાં વિલંબને લઈને કોર્ટમાં અરજી દાખલ કરી હતી જેના પછી કોર્ટે ચૂંટણી પંચને સવાલ પૂછ્યા હતા. મહત્વનું છે કે, મતદાન પેનલ દ્વારા શરૂઆતમાં જાહેર કરવામાં આવેલા અંદાજિત મતદાનના આંકડા મુજબ ગત વખતની સરખામણીમાં મતદાનની ટકાવારીમાં નોંધપાત્ર વધારો થયો હતો ત્યારબાદ હવે મતદાનની ટકાવારી અપલોડ કરવી જોઈએ. જે અંદાજિત મતદાન ટકાવારીના આંકડા આગળ મૂકવામાં આવ્યા હતા તેની સત્યતા અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સુપ્રીમ કોર્ટે શુક્રવારના રોજ ચૂંટણી પંચ (EC)ને તેનું કારણ સમજાવવા કહ્યું કે, ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીમાં દરેક તબક્કાના મતદાન પછી નોંધાયેલા મતોના બૂથ મુજબના ડેટાને તેની વેબસાઇટ પર તરત જ અપલોડ કરી શકતું નથી. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડની સાથે ત્રણ જજોની બેંચે ચૂંટણી પંચના વકીલને પૂછ્યું કે, દરેક મતદાન અધિકારી સાંજે 6 કે 7 વાગ્યા પછી કેટલું મતદાન થયું તેનો રેકોર્ડ સબમિટ કરે. આ પછી રિટર્નિંગ ઓફિસર પાસે સમગ્ર મતવિસ્તારના ડેટા હોય છે. તમે તેને કેમ અપલોડ કરતા નથી? ચૂંટણી આચારના નિયમો 1961ની કલમ 49S અને નિયમ 56C(2) હેઠળ, પ્રિસાઇડિંગ ઓફિસરે ફોર્મ 17C (ભાગ I) માં નોંધાયેલા મતોનો હિસાબ તૈયાર કરવો જરૂરી છે.
અરજદાર એનજીઓએ જણાવ્યું હતું કે મતદાનની ટકાવારી અપલોડ કરવામાં વિલંબ ઉપરાંત ચૂંટણી પછી ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા અંદાજિત ડેટામાં પણ મતદાનની ટકાવારીના આંકડામાં અસામાન્ય વધારો જોવા મળ્યો હતો. આ ઘટનાક્રમે પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ વોટિંગ ડેટાની સત્યતા પર લોકોના મનમાં સવાલો ઉભા કર્યા છે. ચૂંટણી પંચના વકીલે અરજીનો જવાબ આપવા માટે સમય માંગ્યો હતો. આ કેસની આગામી સુનાવણી હવે 24 મેના રોજ થશે.અરજીમાં કહેવામાં આવ્યું છે કે, લોકસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કા માટે અંદાજિત મતદાન ટકાવારીનો ડેટા ચૂંટણી પંચ દ્વારા 30 એપ્રિલે પ્રકાશિત કરવામાં આવ્યો હતો એટલે કે 19 એપ્રિલના રોજ પ્રથમ તબક્કાના મતદાનના 11 દિવસ પછી. અરજીમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, ચૂંટણી પંચે 30 એપ્રિલના ડેટામાં (લગભગ 5-6%) વધારો જોયો છે. 19 એપ્રિલના રોજ પ્રથમ તબક્કાના મતદાન પછી ચૂંટણી પંચે એક પ્રેસનોટ બહાર પાડી કે, સાંજે 7 વાગ્યા સુધીમાં 21 રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોમાં અંદાજિત મતદાન 60% કરતા વધુ હતું. એ જ રીતે 26 એપ્રિલે બીજા તબક્કાના મતદાન પછી ચૂંટણી પંચે કહ્યું હતું કે, 60.96% મતદાન થયું હતું.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, મતદાર મતદાનની અંતિમ ટકાવારી જાહેર કરવામાં અસાધારણ વિલંબ થયો હતો. 30 એપ્રિલની ચૂંટણી પંચની પ્રેસ નોટમાં મતદારોના મતદાનમાં અસાધારણ વધારો [5% કરતા વધુ] અને વિવિધ મતવિસ્તાર અને મતદાન મથકોના આંકડા જાહેર કરવામાં આવ્યા નથી બાબતોએ ચિંતા વધારી છે. ઉપરાંત આ તમામ બાબતોએ લોકોમાં ડેટાની સત્યતા અંગે શંકા પેદા કરી છે.