Chapra firing: મળતી જાણકારી પ્રમાણે બિહારના છપરામાં મતદાનના બીજા દિવસે મંગળવારે સવારે ભાજપ અને આરજેડી વચ્ચે હિંસક અથડામણ બાદ ફાયરિંગની જાણ થઈ હતી. આ અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ભાજપ અને આરજેડી કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડામણ બાદ વિસ્તારમાં તણાવ છે.
સારણ લોકસભા સીટ પર સોમવારે મતદાન બાદ બીજા દિવસે મંગળવારે સવારે ભાજપ અને આરજેડી કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ અથડામણમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ તાત્કાલિક પટના રિફર કરવામાં આવ્યા હતા. વિસ્તારમાં તણાવને પગલે મોટી સંખ્યામાં સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે. RJD ઉમેદવાર રોહિણી આચાર્ય સાથે કથિત ગેરવર્તન બાદ સોમવારે આરજેડી અને બીજેપી કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડામણ શરૂ થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગઈ કાલે પણ રોહિણી આચાર્ય એક બૂથની મુલાકાત લેવાના કારણે ભારે હંગામો થયો હતો.
ભાજપના નેતા રમાકાંતસિંહ સોલંકી કસ્ટડીમાં
સુત્રોની જાણકારી પ્રમાણે ગોળીબાર બાદ સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. ઇજાગ્રસ્ત બે લોકોને સારવાર માટે સદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીંથી એકને સારી સારવાર માટે પીએમસીએચમાં રીફર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં કુલ ત્રણ લોકોને ગોળી વાગી છે. આ કેસમાં પોલીસે ભાજપના નેતા રમાકાંતસિંહ સોલંકીની અટકાયત કરી છે.
ભાજપના સમર્થકો પર ફાયરિંગનો આરોપ
એવું કહેવામાં આવી રહ્યું છે કે રોહિણી આચાર્ય સોમવારે મતદાન મથક નંબર 318 પહોંચી હતી. જ્યાં વિવાદ થયો હતો જો કે મોડી રાત્રે પોલીસ દ્વારા વિવાદનો અંત આવ્યો હતો. પરંતુ આજે સવારે ફરી બંને પક્ષો સામસામે આવી ગયા હતા. એક તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં બડા તેલપાના રહેવાસી ચંદન રાયનું મોત થયું હતું. ભાજપના કાર્યકરો પર ફાયરિંગનો આરોપ છે.