રાજયમાં ફરી એક વખત સામૂહિક આપઘાત ધટના સામે આવી છે. મળતી વિગતો અનુસાર રાજકોટ જિલ્લાના પડધરીમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો છે. રાજકોટના પરિવારે પડધરી ખાતે રિક્ષામાં માતા, પિતા અને પુત્રએ દવા પી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પોલીસ દ્વારા ઘટના સ્થળેથી સુસાઇડ નોટ પણ મળી હોવાની જાણકારી છે.
રાજકોટમાં આવેલા પડધરીના મોટા રામપર ગામ નજીક સરકારી ખરાબાની જમીનમાંથી આજે સવારે એક મહિલા અને બે પુરુષના મૃતદેહો મળ્યા હોવાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘટના સ્થળે તપાસ કરતા નજીકમાંથી ઝેરી દવાની બોટલ મળીઆવી હતી. આથી મૃતક ત્રણેય વ્યક્તિએ સામુહિક આપઘાત કર્યો હોવાનું સામે આવ્યો હતું.પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ સિવાય ઘટના સ્થળેથી એક રિક્ષા પણ મળી આવતા આ ત્રણેય વ્યક્તિઓ રાજકોટથી રિક્ષા લઈને પડધરી પહોંચ્યા હોવાનું અનુમાન છે. રાજકોટથી પડધરી પહોંચી રાત્રી દરમિયાન મહિલા સહિત ત્રણ વ્યક્તિએ એકસાથે જ ઝેરી દવા પી આપઘાત કર્યાનું માનવામાં આવી રહ્યું છે. એક જ પરિવારના ત્રણ સભ્યો હતા. જેમાં કાદર ભાઈ મુકાદમ,ફરીદા બેન કાદર ભાઈ મુકાદમ,આસિફ મુકાદમનું મોત નીપજ્યું હતું. પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના પહોંચી ત્રણેયના મૃતદેહોને પડધરીને સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા હતા.
પડધરીની ભાગોળે એક સાથે ત્રણ મૃતદેહો મળી આવતા પડધરીમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે એ જ સાથે પોલીસે ઘટનાસ્થળેથી અંતિમ ચિઠ્ઠી કબજે કરી હોવાનું જાણવા મળ્યુ છે. ત્રણેયે આર્થિક તંગી અને બીમારીને કારણે આત્મહત્યા કરી હોવાની શંકા સેવાઈ રહી છે.