શહેરમાં બે આઉટડોર એડવર્ટાઇઝિંગ એજન્સીઓ જાહેરાતના ડિસ્પ્લે બોર્ડને વધુ દૃશ્યક્ષમ બનાવવા માટે રસ્તાના કિનારે 536 વૃક્ષોની છત્રોને ગેરકાયદેસર રીતે કતલ કરી નાખતા ખળભળાટ મચી ગયો છે. ભારે ઉહાપોહ બાદ જાગેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બન્ને એજન્સીને 50-50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં એક તરફ 30 લાખથી વધુ વૃક્ષો વાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તે સમયે શહેરના વિવિધ સ્થળો ઉપર ગાર્ડન વિભાગ દ્વારા વૃક્ષો વાવવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ રોડ ઉપર વચ્ચેના ભાગે ડિવાઈડર પર લગાવેલા વૃક્ષો જાહેરખબર એજન્સી દ્વારા કાપી નાખવામાં આવતા હોવાના સમાચાર સામે આવ્યા છે. જેને લઇ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા બે એજન્સીઓને 50-50 લાખ મળી એક કરોડનો દંડ કરવામાં આવ્યો છે.
આટલા વૃક્ષ કપાવ્યા
સાણંદ ચોકડીથી સનાથલ સેન્ટ્રલ વર્જ સુધી 214 વૃક્ષ, YMCAથી કાકે દા ધાબા સુધી 75 વૃક્ષ, LJ કોલેજથી ઝીવીરી સર્કલ સુધી 188 વૃક્ષ, એશીયન સ્કૂલથી જે-18 એપાર્ટમેન્ટ સુધી 35 વૃક્ષ, સોલાબ્રિજથી શુકન મોલ સુધી 17 વૃક્ષ, અંકુરથી કામેશ્વર મહાદેવ સુધી 07 વૃક્ષ સહિત કુલ 536 વૃક્ષ કપાવ્યા છે
બંને કંપનીને ફટકાર્યો 50-50 લાખનો દંડ
આ મામલે મ્યુનિસિપાલિટી એસ્ટેટ અધિકારીએ જણાવ્યું કે, આ કંપનીએ ટેન્ડરના નિયમોનો ભંગ કરીને ઝાડવા કાપ્યા છે, જેના કારણે પર્યાવરણને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેની બંને એજન્સીઓને 50-50 લાખનો દંડ કરવામાં આવ્યો અને આ દંડની રકમ એક અઠવાડિયામાં જમા કરાવવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે.
કઈ એજન્સી હતી જેને વૃક્ષ કાપ્યા
મળતી જાણકારી પ્રમાણે જાહેરખબર એજન્સી ઝવેરી એન્ડ કંપની દ્વારા એસજી હાઇવે પર વાયએમસીએ ક્લબથી કાકે દા ઢાબા, એલ જે કેમ્પસથી ઝવેરી સર્કલ, સાણંદથી સનાથળ ચોકડી રોડ અને ચાંદખેડા એશિયન ગ્લોબલ સ્કૂલથી j 18 એપાર્ટમેન્ટ સુધીની રોડ પર ઝવેરી એન્ડ કંપની દ્વારા કુલ 512 જેટલા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા. જ્યારે ચિત્રા(બી) પબ્લિસિટી લિમિટેડ નામની કંપની દ્વારા સોલાબ્રિજથી શુકન મોલ અને નારણપુરા અંકુર ચાર રસ્તાથી કામેશ્વર સુધીના કુલ 24 વૃક્ષો કાપવામાં આવ્યા છે. જેથી આ બંને એજન્સીને 50-50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.