West Bengal Lok Sabha Election: પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર મતદાન દરમિયાન હિંસા જોવા મળી રહી છે. સાતમા તબક્કાની ચૂંટણી દરમિયાન થયેલી હિંસામાં પોલરહાટમાં ISF અને CPIMના ઘણા સમર્થકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.
EVM VVPAT મશીનોને તળાવમાં ફેંકી દીધું
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે મતદાનના સાતમા તબક્કાની શરૂઆતના થોડા સમય પછી, સમાચાર આવ્યા કે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના કુલતાઈમાં બૂથ નંબર 40, 41 પર ભીડે કથિત રીતે EVM અને VVPAT મશીનોને તળાવમાં ફેંકી દીધા હતા. સ્થાનિક લોકો પાસેથી મળેલી માહિતી મુજબ, ટીએમસી સમર્થકો દ્વારા મતદારોને કથિત રીતે ધમકી આપવામાં આવી હતી, જેના કારણે ભીડ ઉશ્કેરાઈ ગઈ હતી અને ઈવીએમને તળાવમાં ફેંકી દીધા હતા.
પોલીસકર્મીઓ ભીડની પાછળ દોડ્યા, ઘણા લોકો તળાવમાં કૂદી પડ્યા
સોશિયલ મીડિયા પર સામે આવેલા ચૂંટણી હિંસાના વીડિયોમાં કેટલાક પોલીસકર્મીઓ ભીડની પાછળ દોડતા જોવા મળે છે. દરમિયાન કેટલાક લોકોએ નજીકના તળાવમાં ઝંપલાવ્યું હતું. પોલીસકર્મીઓ હાથમાં લાકડીઓ લઈને ભીડની પાછળ દોડી રહ્યા છે. આ પહેલા પણ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન અનેકવાર હિંસાના મામલા સામે આવ્યા છે. ચૂંટણી હિંસાને લઈને તૃણમૂલ કોંગ્રેસ ઘણીવાર વિપક્ષના નિશાના પર રહી છે. પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસા પણ સમગ્ર દેશમાં હેડલાઇન્સ બની હતી. ત્યારે કલકત્તા હાઈકોર્ટે પણ પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી દરમિયાન થયેલી હિંસા અંગે રાજ્ય ચૂંટણી પંચને ફટકાર લગાવી હતી.