મળતી માહિતી મુજબ અમદાવાદના નિકોલમાંથી હવે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. નિકોલના ગૂરૂકુલ સર્કલ પાસે કાર ચાલકે પરિવારને ટક્કર મારી હતી અને કાર ચાલક ઘટના સ્થળ ઉપરથી નાસી ભાગ્યો હતો. સમગ્ર ઘટનાના ભયાનક CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના.
અમદાવાદના નિકોલ વિસ્તારમાં રાત્રિના સમયમાં એક પરિવાર ફરવા માટે નીકળ્યો હતો. પરિવારના સભ્યો શાંતિથી ફરી રહ્યા હતા તે સમય દરમિયાન અજાણ્યા કાર ચાલકે તેમને ટક્કર મારી હતી. આ ઘટનામાં દંપતી, દીકરી અને એક અન્ય યુવક ઘાયલ થયો હતો. કારની ટક્કર થતાં જ પરિવારના સભ્યો કૂદીને આગળ પડ્યા હતા. જ્યારે લોકોએ આ જોયું ત્યારે તેઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. કેટલાક લોકોએ કાર ચાલકનો પીછો કર્યો હતો. પહેલા તો કાર ચાલકે કારની સ્પીડ ધીમી કરી હતી પરંતુ તે ત્યાર બાદ પોતાની કાર લઈ ભાગી છૂટયો હતો.
આ ઘટનામાં પરિવારના સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હાલ સમગ્ર ઘટનાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને AHMEDABAD ટ્રાફિકના આઈ ડિવિઝન પોલીસે ગુનો નોધી કાર નંબર આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે .