Rajkot game Zone Fire News: રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનમાં અગ્નિકાંડ કેસની સુઓમોટો પીઆઇએલમાં ગુજરાત હાઇકોર્ટે આજે રાજય સરકાર અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓને આડે હાથે લીધા હતા. ખાસ આ જ કેસની સુનાવણી માટે રચાયેલી ખાસ ખંડપીઠે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના તત્કાલીન કમિશનરોને આ સમગ્ર દુર્ઘટના માટે જવાબદાર ઠરાવતાં એક તબક્કે એટલે સુધી ફ્ટકાર લગાવી હતી કે, રાજકોટ મનપાના જવાબદાર તમામ કમિશનરો સામે આ અગ્નિકાંડ મામલે ઇપીકો કલમ-302 હેઠળ કેમ હત્યાનો ગુનો દાખલ કરાયો નથી? શા માટે માત્ર નીચલા અધિકારીઓ સામે જ કાર્યવાહી થઇ પરંતુ તમામ કમિશનરો સામે હજુ સુધી કેમ પગલાં નથી લેવાયા કે જયારે તેઓ જ ખરા જવાબદાર અને ગુનેગાર છે. તેઓ બધુ જ જાણતાં હતા અને છતાં કોઇ કાર્યવાહી કરી નથી અને તેના કારણે જ આખરે આ કરુણાંતિકા સર્જાઇ છે. સીટનો પ્રગતિ અહેવાલ આગામી 13 મી જૂનના રોજ રજૂ કરવા માટે ખંડપીઠે સરકારને નિર્દેશ આપ્યો છે.
હાઈકોર્ટે રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશોનો ઉધડો લેતાં વધુમાં જણાવ્યું કે ખુદ તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર તરફથી દાખલ કરાયેલા સોગંદનામામાં સ્વીકાર કરાયો કે તેમના અધિકારીઓની ભૂલ, ફરજમાં નિષ્કાળજી અને ગંભીર બેદરકારી પ્રસ્તુત કેસમાં દાખવાઈ છે ત્યારે તેઓ મ્યુનિસિપલ કમિશનરો પોતે પણ એટલા જ જવાબદાર છે કારણ કે, તેઓ પોતે સમગ્ર કોર્પોરેશનના વડા છે અને તેમને જો બધી વાતની ખબર હતી તો તેમણે તાત્કાલિક પગલાં લેવા જોઈતા હતા પરંતુ તે લીધા નથી, તેથી હવે તેઓની સામે પગલાં લેવાવા જોઈએ.
હાઈકોર્ટે એટલે સુધી ટકોર કરી હતી કે, શા માટે તત્કાલીન તમામ મ્યુનિસિપલ કમિશનરોને જવાબદાર ઠરાવી સસ્પેન્ડ કેમ ના કરવા..? શું મ્યુનિસિપલ કમિશનરો એસી ચેમ્બરમાં બેસી રહે અને આવી દુર્ઘટનાઓમાં હાથ ઉંચા કરી દે એ કોઈપણ સંજાગોમાં ચાલે નહીં.?? પ્રસ્તુત કેસમાં અધિકારીઓની તો બેદરકારી કે નિષ્કાળજી તો છે જ પરંતુ સૌથી પહેલી જવાબદારી અને નિષ્કાળજી તત્કાલીન તમામ મ્યુનિસિપલ કમિશનરોની બને છે. સરકાર દ્વારા કેમ તેઓની જવાબદારી નક્કી કરાઈ નથી..? કમિશનરોની જવાબદારી નક્કી કરવી જ પડશે. સરકારે સિીટના રિપોર્ટ બાદ કોઈને બક્ષવામાં નહી આવે તેવી હૈયાધારણ કોર્ટને આપી હતી. હાઈકોર્ટે સરકારને વેધક સવાલો કર્યા હતા કે, ટીઆરપી ગેમ ઝોન શરૂ થયુ ત્યારથી લઈ દુર્ઘટના બની ત્યાં સુધીના જવાબદાર તમામ મ્યુનિસિપલ કમિશનરોને સસ્પેન્ડ કેમ નથી કર્યા……? તમે રમત રમો છો અને બીજા ખાતાઓના કર્મચારીઓ પર દોષનો ટોપલો ઢોળી પોતાની જવાબદારીથી છટકી જાઓ છો.
જે 28 લોકો આગમાં ભૂંજાયા તેમના પરિવારોને શું જવાબ આપીશું’
અરજદાર એડવોકેટે હાઇકોર્ટને ભારપૂર્વક જણાવ્યું કે, સરકાર દર વખતે આવી દુર્ઘટનાઓ માત્ર ચાર લાખ રૂપિયાનું વળતર આપીને છૂટી જાય છે, જે કોઇ સંજોગોમાં ચાલે નહી. માનવીના જીવનનું મૂલ્ય રૂપિયામાં આંકી શકાય નહી. જે 28 લોકો આગમાં ભુંજાયા છે, એમના પરિવારોને આપણે શું જવાબ આપીશું. આપણા સૌની નૈતિક જવાબદારી બને છે. સરકાર દસ દિવસમાં ફાઇનલ રિપોર્ટ સીટ દ્વારા અપાશે તેવી વાત કરતી હતી અને હવે તા.28 જૂન કહે છે. નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરી મીડિયામાં માત્ર દેખાડો કરાય છે પરંતુ સરકારે જે જવાબદાર ઉચ્ચ અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરો છે તેમને સસ્પેન્ડ કરી કાયદેસર કાર્યવાહી કરવી જોઇએ.