ઉત્તર પ્રદેશમાં ટોલને લઈને વિવાદનો એક આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજ્યના હાપુડ ટોલ પ્લાઝામાં, એક ડ્રાઇવર ટોલ કર્મચારી દ્વારા ટોલની માંગણી કરતા એટલો ગુસ્સે થયો કે તેણે કથિત રીતે તેના બુલડોઝર વડે સમગ્ર ટોલ પ્લાઝામાં તોડફોડ કરી. આ સમગ્ર ઘટના મંગળવારે સવારે હાપુડના છીજરસી ટોલ પ્લાઝા પર બની હતી. મળતી માહિતી મુજબ બુલડોઝરનો ચાલક નશામાં હતો. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. આવો જાણીએ આ સમગ્ર ઘટના વિશે.
મળતી માહિતી પ્રમાણે બદાઉનનો રહેવાસી આરોપી ધીરજ પીલખુવા ઈંટના ભઠ્ઠામાં કામ કરતો હતો. તે જેસીબીમાં હાપુડથી છીજરસી ટોલ પ્લાઝા પર આવ્યો હતો. જ્યારે ટોલ કર્મચારીએ તેની પાસેથી ટોલ ફી માંગી તો તે ગુસ્સે થઈ ગયો. તેણે જેસીબી બુલડોઝર વડે ટોલ પ્લાઝાની કેબીનોમાં તોડફોડ કરવાનું શરૂ કર્યું અને થોડી જ વારમાં બે કેબીનોનો નાશ કર્યો.
આ સમગ્ર ઘટના વચ્ચે ટોલ કર્મચારીઓએ કોઈક રીતે ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. તોડફોડ કર્યા બાદ જેસીબી ચાલક વાહન સાથે સ્થળ પરથી નાસી ગયો હતો. જોકે બાદમાં પોલીસે સીસીટીવીના આધારે જેસીબીની શોધખોળ શરૂ કરી હતી અને ડ્રાઈવરની ધરપકડ કરી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપી ધીરજ ઘટના સમયે નશામાં હતો. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે પોલીસને સોશિયલ મીડિયા દ્વારા એક વીડિયો મળ્યો હતો જેમાં જોવામાં આવ્યું હતું કે જેસીબી ડ્રાઈવર બેકાબૂ થઈને પીલખુવા ટોલ પર તોડફોડ કરી રહ્યો છે અને ટોલ કર્મચારીઓને ઈજા પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. વીડિયોની તાત્કાલિક નોંધ લેતા પોલીસે જેસીબી ચાલકની ધરપકડ કરી છે અને તેની જેસીબી પણ જપ્ત કરવામાં આવી છે.