Afghanistan Cricket Team: T20 વર્લ્ડ કપ 2024 હવે ખૂબ જ રોમાંચક મુકામે પહોંચી ગયો છે. સુપર-8માં પહોંચવા માટે તમામ ટીમો ભરપૂર પ્રયાસ કરી રહી છે. તેમજ ગ્રુપ-સીમાંથી અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો સુપર-8 માટે ક્વોલિફાય થઈ ગઈ છે. અફઘાનિસ્તાન પાપુઆ ન્યુ ગિની સામે જીત્યા પછી, ન્યુઝીલેન્ડ, યુગાન્ડા અને પાપુઆ ન્યુ ગિનીની ટીમો સુપર-8 રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ છે.
મળતી માહિતી પ્રમાણે ન્યુઝીલેન્ડની ટીમ ટી20 વર્લ્ડ કપ 2021ની ફાઈનલ રમી હતી. પરંતુ વર્તમાન ટી20 વર્લ્ડ કપમાં ટીમ સારૂ પ્રદર્શન કરી શકી નથી. ન્યૂઝીલેન્ડ તેની પ્રથમ મેચ અફઘાનિસ્તાન સામે 84 રને અને વેસ્ટ ઈન્ડિઝ સામે 13 રને હારી ગયું હતું. પ્રથમ બે મેચ હાર્યા બાદ ટીમના ઝીરો પોઈન્ટ છે. આ કારણોસર ટીમ ટી20 વર્લ્ડ કપ 2024ના સુપર-8 માટે ક્વોલિફાય કરી શકી નથી. તેમજ ન્યુઝીલેન્ડની હજુ બે મેચ બાકી છે જે તેણે યુગાન્ડા અને પાપુઆ ન્યુ ગીની સામે રમવાની છે. પરંતુ આ મેચો હવે માત્ર ઔપચારિકતા રહી ગઈ છે.
યુગાન્ડાની ટીમ પ્રથમ વખત T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ છે. તેણે મોટા સ્તરે સારું પ્રદર્શન કર્યું. ટીમે T20 વર્લ્ડ કપમાં પાપુઆ ન્યુ ગીનીને 3 વિકેટે હરાવીને પોતાની પ્રથમ જીત નોંધાવી છે. જ્યારે યુગાન્ડાને અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પાપુઆ ન્યુ ગિનીની ટીમે વર્તમાન T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી 3 મેચ રમી છે અને ત્રણેયમાં ટીમનો પરાજય થયો છે. આ બંને ટીમ સુપર-8ની રેસમાંથી પણ બહાર છે.