Ganesh Gondal Case: ગોંડલના ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ સામે એટ્રોસિટી અને અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. તેમજ ગણેશ ગોંડલ તેની ગુંડાગીરી માટે જાણીતો છે. ગણેશ ગોંડલે કોંગ્રેસ નેતાનું અપહરણ કરીને તેને ઢોર માર માર્યો હોવાની ફરિયાદ સામે કરવામાં આવી હતી. જેને લઈને હવે આ મામલામાં સતત નવા વળાંક આવી રહ્યા છે. આજે ફરી આ મામલામાં નવો ખુલાસો થયો છે. ફરિયાદી સંજુ સોલંકી દ્વારા જૂનાગઢ એસપીને એક અરજી કરવામાં આવી છે. જેમાં ડમી 2 આરોપીઓ રજૂ કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ધારાસભ્યના પુત્ર આરોપી ગણેશ જાડેજા સહિત 11 શખ્સોની ધરપકડ કરાઈ હતી. જો કે, આ હાઈપ્રોફાઇલ કેસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે વધુ મોટા સમાચાર આવ્યા છે. માહિતી મુજબ, ગણેશ જાડેજા સામેના કેસમાં ડમી આરોપી રજૂ કરાયાનો ઘટસ્ફોટ થયો છે. ફરિયાદી સંજય સોલંકીના પિતા રાજુ સોલંકીએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ગણેશ ગોંડલ સામેના કેસમાં ડમી આરોપી રજૂ કરાયાં હતાં.
મળતી માહિતી પ્રમાણે ભોગ બનનાર યુવકે ઓળખ પરેડમાં બે ડમી આરોપીના ચહેરાને નકારી કાઢ્યા હતા. દિપક રૂપારેલિયા, ધર્મેન્દ્રસિંહ અને અજાણ્યા ઈસમને બદલે ડમી આરોપી રજૂ કરાયાં હતા. ઓળખ પરેડ દરમિયાન 3 ડમી હોવાનું રાજુ સોલંકીએ દાવો કર્યો છે. ફરિયાદી યુવકે સરપંચ સહિતના 4 આરોપીનાં ફોટા સાથેના નામ પોલીસને સોંપ્યા છે. રાજુ સોલંકીએ અસલી આરોપીઓને પકડવા માગ કરી છે.