ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીની રીલ વાયરલ થયા બાદ પીએમ નરેન્દ્ર મોદીની પહેલી પ્રતિક્રિયા આવી છે. પીએમ મોદીએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા કહ્યું કે, ભારત-ઈટાલી મિત્રતા લાઈવ. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7માં ભાગ લીધા બાદ પરત ફર્યા છે. ત્રીજી વખત વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદી ઈટાલીમાં આયોજિત G7 સમિટમાં ભાગ લેવા પહોંચ્યા હતા.
G7 કોન્ફરન્સમાં PM મોદીએ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સહિત ઘણા નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. આ દરમિયાન પીએમ મોદી અને ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વચ્ચે અદ્ભુત બોન્ડિંગ જોવા મળ્યું હતું. મેલોનીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે.
પહેલીવાર ઈટાલીના વડાપ્રધાને G7ની મુલાકાતે આવેલા નેતા સાથેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેમણે માત્ર નેતાઓ સાથેના ફોટા જ શેર કર્યા છે. વીડિયોમાં બંને દેશના વડાપ્રધાન હસતા જોઈ શકાય છે. વીડિયોમાં મેલોની કહે છે, ‘મેલોડી ટીમ તરફથી બધાને નમસ્કાર…’ વીડિયોમાં પીએમ મોદી હસતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીનું સ્વાગત ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ કર્યું હતું. G7 આઉટરીચ સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી ગુરુવારે (13 જૂન) મોડી રાત્રે ઇટાલીના અપુલિયા પહોંચ્યા હતા.