દ્વારકાના વાચ્છું ગોરિંજાના દરિયાકાંઠેથી બિનવારસી ચરસનો જથ્થો મળ્યો છે. 40 પેકેટ ચરસ મળી આવ્યું છે. 40 જેટલા પેકેટ મળી આવતા ચકચાર મચી છે.
દ્વારકા: કાંઠેથી ફરી એક વાર ચરસનો જથ્થો ઝડપાયો છે. દ્વારકાના વાચ્છું ગોરિંજાના દરિયાકાંઠેથી બિનવારસી ચરસનો જથ્થો મળ્યો છે. 40 પેકેટ ચરસ મળી આવ્યું છે. 40 જેટલા પેકેટ મળી આવતા ચકચાર મચી છે. સતત એક સપ્તાહમાં ત્રણ સ્થળોએથી કરોડોની કિંમતનો ચરસનો બિનવારસી હાલતમાં જથ્થો ઝડપાતા સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ છે.
બિનવારસી ચરસ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મળતી માહિતી પ્રમાણે, દ્વારકાના વાચ્છું ગોરિંજાના દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં ચરસ ઝડપાતા ચિંતાનો વિષય બન્યો છે. પોલીસ દ્વારા ચરસનો બિન વારસી જથ્થો ઝડપી અન્ય દરિયા કિનારા વિસ્તારોમાં સર્ચ ઑપરેશન ચાલુ કર્યું છે. આખરે કેવી રીતે કિનારા સુધી આટલો ચરસનો જથ્થો પહોંચે છે અને એ પણ બિનવારસી હાલતમાં તે અંગે સવાલો ઉઠ્યા છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ, આશરે 40 પેકેટનો આ જથ્થો દરિયાકાંઠા વિસ્તારમાં બિનવારસી હાલતમાં પડ્યો હતો, જેનો કબજો પોલીસે મેળવ્યો હતો. ઝડપાયેલા આ ચરસની કિંમત રૂ. 20 કરોડથી વધુની અંદાજવામાં આવી રહી છે. આમ, છેલ્લા એક સપ્તાહ દરમિયાન બિનવારસી રીતે મળી આવેલા ચરસના આશરે 100 જેટલાં પેકેટની કિંમત 50 કરોડ સુધી થવા જાય છે. આજરોજ દેવભૂમિ દ્વારકા પોલીસને મળેલા આશરે વીસેક કરોડની કિંમતના નશાકારક પદાર્થની ફોરેન્સિક તપાસ તેમજ વજન સહિત વિવિધ બાબતે ચકાસણી ચાલી રહી છે, જેની બીજી સત્તાવાર વિગતો આજે સાંજ સુધીમાં પોલીસ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવશે.
આ પ્રકરણમાં જિલ્લા પોલીસ તેમજ મીઠાપુર પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા તેમજ કચ્છના દરિયાકાંઠે પણ મળી આવતાં વ્યાપક પ્રમાણમાં ડ્રગ્સ (ચરસ)ના આ જથ્થા સંદર્ભે પોલીસતંત્રમાં પણ દોડધામ સાથે સ્થાનિકોમાં ભારે ચર્ચા જાગી છે. એ અંગે પોલીસ દ્વારા હજુ પણ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.