હવે જે કર્મચારીઓ આદત પ્રમાણે મોડા આવે છે અને ઓફિસથી વહેલા નીકળે છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને હાફ ટાઈમ લગાવવામાં આવશે. હા, આ સમાચાર બિલકુલ સાચા છે. વાત એમ છે કે કેન્દ્રએ ઓફિસમાં મોડા આવતા કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
કેન્દ્ર સરકારે ઓફિસમાં મોડા પહોંચનારા કર્મચારીઓ જે ઓફિસથી વહેલા નીકળી જાય છે આ મુદ્દાને ગંભીરતાથી લેવા માટે ચેતવણી આપી છે. થયું એવું કે એક ફરિયાદ મળી છે કે ઘણા કર્મચારીઓ બાયોમેટ્રિક એટેન્ડન્સ સિસ્ટમ (AEBAS) માં તેમની હાજરી નોંધી રહ્યા નથી. આ ઉપરાંત કેટલાક કર્મચારીઓ નિયમિત રીતે મોડા પણ આવતા હતા. હવે આ ફરિયાદ પર સરકાર એક્શન લઈ રહી છે.
એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે, “મોડા આવવાની અને ઓફિસ વહેલા જવાની આદતને ગંભીરતાથી લેવી જોઈએ અને ફરજિયાતપણે બંધ કરવી જોઈએ.” હાલના નિયમો હેઠળ આવા કર્મચારીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી શકાય છે. કેન્દ્ર સરકારના તમામ વિભાગોને એ સુનિશ્ચિત કરવા કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓ તેમની હાજરી AEBAS નો ઉપયોગ કરીને એમની ઓફીમાં હાજરી નોંધાવે.’
સાથે જ તમામ સરકારી વિભાગો અને મંત્રાલયોને બાયોમેટ્રિક મશીનો હંમેશા કાર્યરત રહે તે સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે. મંત્રાલયે અવલોકન કર્યું કે AEBAS ના અમલીકરણને આટલી ગંભીરતાથી નથી લેવામાં આવી રહ્યું અને મંત્રાલયે કહ્યું કે ‘તમામ વિભાગો કર્મચારી સમયસર આવે અને સમય પહેલા ન નીકળે તેના પર નજર રાખશે.’
કર્મચારી મંત્રાલયે કહ્યું કે મોડા આવવાના કિસ્સામાં આવા કર્મચારીઓને અડધા દિવસની કેઝ્યુઅલ લીવ (CL) આપવી જોઈએ એટલે કે આવા કર્મચારીઓને અડધા દિવસની રજા આપવી જોઈએ. સાથે જ મોડા આવવા પર ઓફિસ દ્વારા મહિનામાં એક કે બે વાર વાજબી કારણોસર માફ કરવામાં આવી શકે છે.