મળતી માહિતી પ્રમાણે પશ્ચિમ બંગાળમાં એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. ન્યૂ જલપાઈગુડીમાં કંચનગંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી તેજ ગતિએ આવી રહેલી માલગાડીએ જોરદાર ટક્કર મારી હતી. સિલિગુડીને પાર કર્યા બાદ રંગપાનીર સ્ટેશન પાસે સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસનો અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં ટ્રેનની પાછળની ત્રણ બોગીને ભારે નુકસાન થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 મુસાફરોના મોત થયા છે.
રેલ્વે તરફથી મળેલી માહિતી મુજબ આ દુર્ઘટનામાં બે પેસેન્જર બોગી અને એક પાર્સલ બોગીને નુકસાન થયું છે. ઘટના સ્થળે તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે. અથડામણને કારણે ટ્રેનના ડબ્બા હવામાં કેટલાય ફૂટ ઉછળ્યા હતા, જેના પગલે સ્થળ પર હોબાળો મચી ગયો હતો. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. રેલવે, NDRF અને SDRF સાથે મળીને કામ કરી રહ્યા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.