બોલીવુડના સિતારાઓની વાત કરીએ તો સ્વરા ભાસ્કર એક એવી અભિનેત્રી છે કે જે ક્યારેય કોઈ પણ બાબતમાં તેનો મંતવ્ય રાખવા પર કે કટાક્ષ કરવા પર નથી અચકાતી અને તેના આ જ નેચરને કારણે તે હંમેશા હેડલાઇન્સમાં રહે છે.પછી વાત રાજકારણ અને સામાજિક મુદ્દાઓ હોય કે ઇન્ડસ્ટ્રીની કોઈ વાત સ્વરા તેના કટાક્ષ માટે જાણીતી છે. એવામાં તાજેતરમાં અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો આ કારણે તેને ફિલ્મોમાં કામ કરવાની ઘણી તકો ગુમાવવી પડે છે.
અભિનેત્રી સ્વરા ભાસ્કરે ‘તનુ વેડ્સ મનુ’, ‘રાંઝના’ અને ‘અનારકલી ઓફ આરા’ જેવી ફિલ્મોમાં શાનદાર કામ કર્યું છે અને આ ફિલ્મોમાં તેના કામના ખૂબ વખાણ પણ થયા છે. આમ છતાં અભિનેત્રી ભાગ્યે જ મેઈન સ્ટ્રીમ ફિલ્મોમાં જોવા મળે છે. આ વિશે અભિનેત્રીનું કહેવું છે કે તેમના રાજકીય વિચારો અને સ્પષ્ટ મંતવ્યોને કારણે જ તેને કામ નથી મળી રહ્યું.
સ્વરા ભાસ્કરે આ મુદ્દા વિશે વાત કરતાં કહ્યું હતું કે, “મને એક વિવાદાસ્પદ અભિનેત્રી તરીકે ટેગ કરવામાં આવી છે. ડિરેક્ટર્સ, પ્રોડ્યુસર અને ડિસ્ટ્રિબ્યુટર તમારા વિશે ખરાબ બોલવા લાગે છે અને ઈન્ડસ્ટ્રીમાં તમારી એક ઇમેજ બનાવવામાં આવે છે. એવું નથી કે આ વાત મને ખટકતી નથી, એમ છતાં હું હજુ અહીં ટકી છું. પરંતુ મને ખોટું એ લાગે છે કે મને જે સૌથી વધુ ગમે છે – અભિનય, એ કરવા માટે મને પૂરતી તકો નથી મળતી.’
આગળ સ્વરાએ કહ્યું, ‘હું એવું બતાવવા માંગતી નથી કે હું પરેશાન છું. મેં આ રસ્તો પસંદ કર્યો. મેં નક્કી કર્યું કે હું અવાજ ઉઠાવીશ અને મુદ્દાઓ પર મારો અભિપ્રાય વ્યક્ત કરીશ. હું મૌન રહેવાનું પણ પસંદ કરી શકું છું પણ મારે એ કરવું નથી. લોકો સાથેની વાતચીત પ્રમાણે મારો અભિપ્રાય બદલાતો નથી. હું દરેક સાથે સમાન છું. જો હું મારી વાત ખૂલીને નહીં કહું તો હું ગૂંગળામણથી મરી ગઈ હોત.’
અંતે સ્વરા ભાસ્કરે કહ્યું કે તેની છેલ્લી ફિલ્મની સ્ક્રીનિંગ પછી પતિ ફહાદ અહેમદે કહ્યું હતું કે, ‘મારે મારા મંતવ્યો અને દરેક મુદ્દાઓ પે અવાજ ઉઠાવવાનું બંધ કરવું જોઈએ, હું આમ કરીશ તો જ મને વધુ ફિલ્મો મળશે.’ સાથે જ છેલ્લી ફિલ્મ વિશે વાત કરતાં અભિનેત્રીએ કહ્યું, “તે ફિલ્મ બહુ સારી ન ચાલી, પરંતુ મેં ખૂબ મહેનત કરી હતી.’