Gujarat Monsoon Forecast: હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી સાત દિવસ પણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ પણ ગુજરાતમાં વરસાદ થશે તે અંગેની આગાહી કરી છે. હવામાન વિભાગે બુધવારે અને ગુરૂવારે સામાન્ય વરસાદની સાથે ભારે વરસાદની પણ આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યુ કે, ગુજરાતમાં ચોમાસું હજી નવસારી સુધી જ આવ્યું છે. તો છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ બાબરામાં બે ઇંચ જેવો વરસાદ ખાબક્યો છે. આ સાથે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
તેમજ હવામાન વિભાગની આગાહી પ્રમાણે 18 જૂનના રોજ એટલે કે આજે ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે. તો આવતીકાલે એટલે કે 19 જૂનના રોજ પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર-હવેલી તેમજ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.